અઢારે સંસ્કારો

સ્ત્રીની રજ ધાતુ અને પુરુષનું વીર્ય મળીને જન્મતાની સાથે જ મનુષ્યમાં અમુક દોષારોપણ થઇ જાય છે જે પ્રકૃતીવશ તથા યુગપ્રભાવથી કોઈ ને કોઈ રીતે ધીમે ધીમે પ્રબળ બનીને મનમાં વિકૃતિઓ આણે છે.  મનના આ વિકારોના પરિણામ રૂપ અવિવેકભ્રષ્ટાચાર, ગુનાખોરી, હિંસા વગેરે અસ્તિત્વમાં આવે છે. ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે અને તેને નાથવા આકસ્મિક રીતે યુદ્ધના ધોરણે કડક પગલાં લેવા અનિવાર્ય થઇ જાય છે જે આસપાસનું પણ નુકશાન કર્યા વગર રહેતા નથી. આનો એક માત્ર નિર્દોષ અને રામબાણ ઉપાય છે: સંસ્કાર
સંસ્કાર થી વિકાર જાય.
સુસંસ્કારી મનુષ્યો જલ્દી થી ખોટું આચરણ નથી કરતા હોતા કારણ એમનો અન્તરાત્મા ડંખતો હોય છે. પણ એને માટે આત્માનું પુષ્ટ હોવું અતિઆવશ્યક છે. અહીં જ આપણા સંસ્કારો મહત્વનો ભાગ ભજવી જાય છે. જીવનના પ્રત્યેક નવા તબક્કામાં પ્રવેશ કરતી સમયે વિધિસર સંસ્કાર રેડવાથી ન કે માત્ર માનસીક અશુધ્ધિઓ જતી રહે છે પણ આત્મા પણ પુષ્ટ થાય છે. અને મનુષ્ય ધાર્મિકતાના અનુભવ સહીત આધ્યાત્મિકતા તરફ ઉન્મુખ થાય છે. આમ થવાથી તે રોજના ક્રિયા-કલાપ પ્રત્યે અત્યાધિક સચેત રહેછે. અને નાના મોટા દોષ અથવા પાપકર્મો થી સ્વત: બચી જાય છે. આમ સંસ્કારોની યોજના અતિશય બુદ્ધીમતાથી કરવામાં આવેલી છે.
મૂલ્ય અને સમ્માન વધે
સંસ્કારથી વિભૂષિત મનુષ્યનું સમાજમાં મૂલ્ય અને સમ્માન વધે છે.
દિવ્યજ્ઞાનને  સુપાત્ર બને
આગળ નવા નવા સંસ્કારો રેડવાથી ગુનાધાનમાં વૃદ્ધિ થઇ દિવ્યજ્ઞાન મેળવવા સુપાત્ર બને છે.
પ્રત્યેક માં-બાપની ફરજ છે કે સમાજને સુસંસ્કારી ચરિત્રવાન માનવ આપે.
સંસ્કારોની સંખ્યા 

આપણી ભારતીય સંસ્કૃતિમાં કુલ અઢાર સંસ્કારો રહેલા છે. આમ તો ષોડસંસ્કાર (16 સંસ્કાર) જ છે કારણકે “વાનપ્રસ્થાશ્રમ” અને “સંન્યાસાશ્રમ” ના સંસ્કાર સંન્યાસી અને ગાદીપતિ રાજા પ્રમાણે વધઘટ છે.

ઉપાસ્ય મૂર્તિની વિધિ માટે 15 સંસ્કારો છે.
1. “ગર્ભાધાન” સંસ્કાર
2. “પુંસવન” સંસ્કાર
3. “અંતિમ સંસ્કાર”
આ ત્રણ નીકળી જાય. (18 – 3 = 15)
સંસ્કારો [ભારતીય સંસ્કૃતિ પુસ્તક]
1 ગર્ભાધાન સંસ્કાર (વિવાહ પશ્ચાત સ્ત્રી તેના ઋતુદર્શન બાદ ચોથા દિવસે ઉપવાસ કરી પવિત્ર મને પોતાના ગર્ભમાં પતિ દ્વારા શિશુ બીજ પ્રતિષ્ઠિત કરે). ગર્ભાધાન પૂર્વ અને પશ્ચાત મંત્રોનું સ્મરણ આખા વિશ્વમાં બીજે ક્યાં નહિ પણ માત્ર ભારતીય આર્યચિંતનમાં જ જોવા મળશે.
2 પુંસવન સંસ્કાર (પુરુષ પુત્ર પ્રાપ્તિ હેતુ કરેલ યજ્ઞ-કર્મ) મનુષ્યએ સંતાન મા પુત્ર સંતતિ ન  થતી હોઇ તૌ  એના શાસ્ત્રીય પ્રયોગો કરવા જોઇએ કારણ કે મૃત્યુ પહેલા કરેલા પાપ નું પ્રાયશ્ચિત ના થયુ હોઇ તૌ સંતાન એ પાપ માથી મુકત કરાવિ શકે. ગર્ભાવસ્થાના 3-4 મહિને કરવાનો.
3 સીમન્તોન્નયન સંસ્કાર (ખોળો ભરવો). ગર્ભાવસ્થાના 7 મે મહિને કરવાનો
4 જાતકર્મ સંસ્કાર (જન્મ સમયે નાભી છેદનના પહેલા ના થાય તો 10 દિવસ ની અંદર કરી લેવો). બાળકના જન્મ બાદ પિતા મધ ચટાડે છે.
5 નામકરણ સંસ્કાર (10, 11 કે 12 મે દિવસે રાશિ પ્રમાણે ફોઈ દ્વારા નામ પાડવામાં આવે છે).
6 કર્ણવેધ સંસ્કાર (કાન વિન્ધાવવો. બ્રાહ્મણો બાળક જ્ન્મ્યાની 16 દિવસની અંદર જ કરી દેતા હોય છે).
7 નિષ્ક્રમણ સંસ્કાર (શિશુને બે ત્રણ મહિના પછી ઘરની બહાર લાવવું)
8 અન્નપ્રાશન સંસ્કાર (6 મહિને બાળકને અન્ન ખવડાવવામાં આવે છે).
* અનાદિષ્ટ પ્રાયશ્ચિત સંસ્કાર (ઉપર કહેલ સંસ્કારો સમયસર ન થયા હોય તો).
10 ચૂડાકરણ સંસ્કાર (ચૌલ ક્રિયા, મુંડન કરી શીખા રાખવી)
11 ઉપનયન (યજ્ઞોપવીત) સંસ્કાર (જનોઈ આપવી)
12 વેદારંભ સંસ્કાર (બ્રહ્મચર્ય પાલન સાથે વેદોનો અભ્યાસ)
13 કેશાન્ત અથવા ગોદાન સંસ્કાર (દાઢી ઈત્યાદી જગ્યાએ થી વાળ કાઢવા. બ્રહ્મચર્ય વ્રત પૂરું કરવું).
14 સમાવર્તન સંસ્કાર (વેદાધ્યયન સંપૂર્ણ કરી ઘરે આવવું)
15 વિવાહ સંસ્કાર (લગ્ન)
16 વાનપ્રસ્થ સંસ્કાર (રાજપાટ, કારભાર છોડી વનમાં તપ કરવા ચાલ્યા જવું)
17 સંન્યાસ સંસ્કાર (સંસારિક જીવનથી સંપૂર્ણપણે ત્યાગ)
18 અંત્યેષ્ટિ સંસ્કાર (મૃત્યુ પશ્ચાતની અંતિમ ક્રિયા)

આવો આપણે સંસ્કારોને યથાશક્તિ આપણા જીવનમાં બને એટલા ઉતારીએ, આપણાં આત્માને પુષ્ટિ આપીએ અને સમાજનું ઋણ ચૂકવીએ


IWillNotRemainSilent


Leave a comment