अदृश्योऽपि यथा वायुः स्पर्शरूपेण गम्यते । तथैव सर्वभूतस्थ ईश्वरः स्यान्न संशयः ॥
मायया मोहितो लोकः दृश्ये सत्यं प्रपद्यते । आत्मदीपे प्रबुद्धे तु ब्रह्मैवावशिष्यते ॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
જે રીતે અદૃશ્ય વાયુ તેનો સ્પર્શ થકી અનુભવાય છે, એ જ રીતે અદૃશ્ય હોવા છતાં ઈશ્વર સર્વ જીવોમાં વિરાજે છે — તેમાં સંશય નથી. માયાથી મોહિત થયેલો લોક માત્ર દેખાતી વસ્તુને જ સત્ય માને છે;પરંતુ જ્યારે આત્માનો દીપક પ્રગટે છે, ત્યારે અંતે બ્રહ્મ જ શેષ રહે છે.
ઘણા લોકો માને છે કે જે વસ્તુ પ્રત્યક્ષ દેખાતી નથી અથવા તરત બુદ્ધિમાં બેસતી નથી, તેને સ્વીકારવી એ અંધશ્રદ્ધા છે. પરંતુ જીવનમાં આપણે અનેક મૂળભૂત બાબતોને સ્વીકારીને જ આગળ વધીએ છીએ. ગણિતમાં 1 + 1 = 2, ભૂમિતિના સિદ્ધાંતો, કારણ-કાર્યનો નિયમ, અથવા બાહ્ય જગતનું અસ્તિત્વ — આ બધું દરેક ક્ષણે વ્યક્તિગત રીતે સાબિત કરીને નથી માનવામાં આવતું. મનુષ્ય જીવનમાં અનેક બાબતો વિશ્વાસ, અનુભવ, તર્ક અને પરંપરાગત જ્ઞાનના સંયોજનથી સ્વીકારે છે. આથી માત્ર એટલા માટે કે કોઈ વ્યક્તિ ઈશ્વરને સ્વીકારે છે, તેને અતાર્કિક કહી શકાય નહીં. અને માત્ર એટલા માટે કે કોઈ વ્યક્તિ ઈશ્વરને સ્વીકારતો નથી, તેને દોષિત પણ ઠેરવી શકાય નહીં. પ્રશ્ન માન્યતાનો નથી; પ્રશ્ન એ છે કે માણસ સત્યની શોધ કેટલી નિષ્ઠાથી કરે છે. માનવ સ્વભાવ એવો છે કે જે વસ્તુથી તેનો તાત્કાલિક લાભ થતો હોય તેને સહેલાઈથી સ્વીકારી લે છે, અને જે વસ્તુ માટે આંતરિક સાધના, વિચાર અથવા આત્મચિંતનની જરૂર હોય તેને ઘણી વાર પાછળ મૂકી દે છે. તેથી જ શાસ્ત્રો વારંવાર મનુષ્યને પોતાના જીવનના સાચા હિત વિશે વિચારવાનું કહે છે. વેદાંતના મત અનુસાર મનુષ્યનો પરમ હિત માત્ર ભૌતિક સુખ, ધન, પદ અથવા પ્રતિષ્ઠામાં નથી, પરંતુ આત્મસ્વરૂપના જ્ઞાનમાં છે. આત્માની ઉન્નતિ અને સત્યની પ્રાપ્તિ એ જ જીવનનો ઉચ્ચતમ પુરુષાર્થ છે. આ દૃષ્ટિએ શ્રદ્ધા કોઈ અંધ સ્વીકાર નથી, પરંતુ સત્યને જાણવા માટેની આંતરિક તૈયારી છે. જેમ કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ શરૂ કરતાં પહેલાં એ માની લે છે કે પ્રકૃતિમાં નિયમબદ્ધતા છે, તેમ સાધક પણ એ સંભાવનાને ખુલ્લી રાખે છે કે ઇન્દ્રિયો અને બુદ્ધિથી પરે પણ કોઈ ઊંડું તત્ત્વ હોઈ શકે. આ ખુલ્લાપણું જ શ્રદ્ધાનું મૂળ સ્વરૂપ છે. અતઃ પ્રશ્ન એ નથી કે “કોણ માને છે અને કોણ નથી માનતું”; પ્રશ્ન એ છે કે “કોણ સત્યને શોધવા માટે નિષ્પક્ષતાથી તૈયાર છે.”
જિજ્ઞાસુ ને પ્રશ્ન થવો સ્વાભાવિક છે – “ભગવાન છે કે નથી”. મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ સાચી શ્રધ્ધા કહેવાય, અન્યથા અંધશ્રદ્ધા કહેવાય.
મિત્રો, ધ્યાન આપજો: જેમ દિવસ છે તો રાત્ર પણ છે; એમ, ભારતીય દર્શન (આધ્યાત્મવાદ) ની સાથે સાથે પ્રાચીન કાળથી ચાર્વાક દર્શન (જડવાદ) ની વિચારધારા પણ નિરંતર પ્રવાહિત થતી રહી છે. આ વિચારધારા ને ભૌતિકવાદી તત્વજ્ઞાન અથવા નાસ્તિક દર્શન પણ કહે છે, કારણ એણે પરલોક, ઈશ્વર તથા વેદ ત્રણેને નકાર્યા. તેના સિધ્ધાંત બહુ જ મનોહર છે. (ચર્વ = ચાવવું) જેમ કુતરો શુષ્ક હાડકાને ચાવ ચાવ કરે અને પોતાના જ પેઢાંને વાગવાથી નીકળતા લોહીને તે હાડકાનો રસ સમજી વધુ ચાવે તેમ આનંદ આપણે બાહ્ય પદાર્થમાં માની તેનું ઇન્દ્રિયો દ્વારા સેવન કરીએ એ પરથી આ સિધ્ધાંતનું નામ ચાર્વાક પડ્યું.
અધુરૂમાં પૂરું, આપણી આધ્યાત્મિકતાને વર્ષોથી, દ્રાવિડ, યૂનાની, સીથિયન, મુગલ, ઈસાઈ, આગ્નેય, નેગ્રીટો, ઈરાની, યવન, શક, કુશાણ, પહ્રવ, હૂણ, અરબ, તુર્ક, આવી અનેક આક્રન્તાઓ (બાહ્ય શક્તિઓ) નાં માર વાગી વાગીને આપણી સંસ્કૃતિને જીર્ણ કરી. પ્રતીકાત્મક ભાષા માં કહીએ તો, કાળા વાદળો એટલા છવાયા કે દિવસ અપ્રત્યક્ષ બન્યો. ચાર્વાક મત વશ; રાત્રીની પ્રત્યક્ષતા ઉપરાંત દિવસની અપ્રત્યક્ષતાને લોકો સરળતાથી સ્વીકારતા થયા. અને અપ્રત્યક્ષને અસત્ય માની, જાણે કે સૂર્યના અસ્તિત્વને નકારવા લાગ્યા. આધ્યાત્મિક જીવનના અભાવમાં આત્માની પુષ્ટિ થવાનું અટકી જતાં ભૌતિક્તાવાદે વિકૃત સ્વરૂપ લઇ લીધું. પરિણામરૂપ ધનનંદ જેવા વ્યભિચારી રાજાઓ અનીતિથી સત્તા પર આવી ગયા. તેમનો વિરોધ કરનારા અને સમાજનું કલ્યાણ ઇચ્છનારા એવા સુશિક્ષિત બ્રાહ્મણોનો બહિષ્કાર કર્યો. વેદાધ્યાયી બ્રાહ્મણો માટે આજીવિકા મુશ્કેલ બનતા તેઓ વેદ છોડી આજીવિકા ચલાવનારા જ્ઞાન તરફ વળ્યા અને વેદોનો પ્રકાશ મંદ પડી ગયો. ઈશ્વરના અસ્તિત્વ માટે એવો કોઈ એક તર્ક નથી જે દરેક વ્યક્તિને અનિવાર્ય રીતે સ્વીકારવો જ પડે. પરંતુ એવો તર્ક અવશ્ય છે જેમાં ઈશ્વર નથી એવું પણ કોઈ સ્વીકાર કરી શકે. જે ઈશ્વરમાં માને છે તેને સાબિતીની જરૂર નથી. અને જેણે ઈશ્વરમાં ન માનવા માટેનો નિર્ધાર કર્યો છે તેને કોઈ પણ સાબિતી પર્યાપ્ત નથી.
કમ્પ્યૂટર (સંગણક યંત્ર) માં Binary System કહે છે 1 અથવા 0. અર્થાત, જો 1 છે તો 0 નથી. અને જો 0 છે તો 1 નથી. ચાલો ફરજ પાડીએ, સાબિત કરી આપો કે… “ઈશ્વર નથી”. ઉ.દા. એવું ઘણું હયાત છે જે અદ્રશ્ય છે, અપ્રત્યક્ષ છે, અવ્યક્ત છે. બુદ્ધિ માં ન બેસે તો જરૂરી નથી કે હયાત નથી, માટે ભલે તમે સાબિત નથી કરી શકતા પરંતુ સાથે સાથે ઈશ્વર હોવાની શક્યતાને પણ નકારી શકાતી નથી.
॥ यत्र भ्रम तत्र न ब्रह्म यत्र ब्रह्म कुतर्भ्रम ॥
હવે જો સામે વાળો પક્ષ એમ કહે કે જો સર્વ ઠેકાણે બ્રહ્મ નહિ પણ ભ્રમ છે તો તમે પોતે પણ અજ્ઞાની છો, માટે તમારું કહેલ કેવી રીતે માનવું? તો પછી એને પણ કહી શકો કે આવું પૂછનાર પણ અજ્ઞાનતા માં હોવાથી એ પ્રશ્ન નિરર્થક બની જાય છે.
પાંચ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ માં ઘણી એવી બાબતો છે જે પકડાતી નથી છતાં તેની હયાતી છે. અને કોણે કહ્યું કે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ માં જે પકડાય તે જ સત્ય? ઉલટું ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ માં આવતી વસ્તુ પક્ષપાતી (Biased) હોય છે. માટે ઈશ્વર નથી તે કહેવું એ અંધારામાં તીર ચલાવવા જેવું છે. આમ, સાબિતીના અભાવને ચાલતે સામે વાળો પક્ષ પણ શાંત અને નિરુત્તર થઇ જાય છે. ઈશ્વર નથી એવું બોલી નથી શકતો.
તો તાર્કિક રીતે હવે જ્યાં સુધી સત્ય ઉજાગર થતું નથી ત્યાં સુધી માત્ર બે જ પર્યાય બચે છે. બંનેવ વસ્તુ સાચી છે, કા તો બંનેવ માં થી કશું જ સત્ય નથી. એ કઈ રીતે તે આપણે જોશું. બંને વસ્તુ સાચી ત્યારે જ હોઈ શકે જયારે બંનેવ એક હોય. જેમ પૃથ્વી પર માત્ર રાત્રી નથી કે માત્ર દિવસ નથી. બંનેવ છે. એ ત્યારે જ શક્ય હોય કે જયારે રાત્રી વાળી પૃથ્વી અને દિવસ વાળી પૃથ્વી એક જ હોય. પરંતુ દિવસ અને રાત્રી જેને લીધે થાય છે તે સ્ત્રોત સૂર્યમાં ન તો રાત્રી છે (અને માટે) ના તો દિવસ. એટલે “ઈશ્વર છે” અને “ઈશ્વર નથી” બંનેવ પક્ષ ને શક્તિ આપનાર સ્ત્રોતમાં આ પ્રશ્ન જ નિરર્થક છે. પૃથ્વી પોતાની ધરી ની આસપાસ ભ્રમણ કરે છે માટે દિવસ કે રાત્રી ઉત્પન્ન થાય છે. અને બંનેવ પક્ષ ને સમયાંતરે ભ્રમિત કરે છે. થોડા સમય પશ્ચાત રાત્રી વાળો પક્ષ દિવસમાં પરિણમે છે અને દિવસ વાળો રાત્રિમાં.
માટે આવશ્યકતા “ઈશ્વર છે” અથવા “નહિ” શોધવાની નથી. આવશ્યકતા એ પ્રશ્નને ઉડાવી દેવાની છે. પરંતુ પૃથ્વી ઉપર રહી ને તે સંભવ નથી. તો હવે કોઈ નિષ્પક્ષ આધાર લેવો પડશે જે ઇન્દ્રિયો, બુદ્ધિ અને મન થી પરે હોય. એનો દ્રષ્ટા. એનો સાક્ષી. તમે મન નથી. ના કે તમે બુદ્ધિ છો. કે ના ઇન્દ્રિયો. પ્રશ્ન એને નથી થતો પણ મનને થાય છે. અને એટલે જ, એવા સાક્ષી ભાવ થી સર્વ જોવું જોઈએ.
શાસ્ત્રો. કે જે સ્વયં પ્રમાણ છે. જેમ ખીલ્લો પાણી ઉપર તરી ન શકે પરંતુ જયારે તરી શકે એવા લાકડા ઉપર ઠોકવામાં આવે તો એ પણ તરી શકે. જેને અનાદિ કાળ (કાળ થી પર) થી વિદ્યમાન છે અને અપૌરુષેય (કોઈ એ એની રચના નથી કરી) એવા કહ્યા છે. એનો આધાર લઇ સત્યના દર્શન કરવા જોઈએ.
સામાન્ય બુદ્ધિ (Commonsense) નો ઉપયોગ કરવો જોઈએ. સર્જનનો સિધ્ધાંત જોવા જઈએ તો: વગર સંકલ્પે સર્જન શક્ય જ નથી, અને સંકલ્પ, એ ચૈતન્ય (Conscious entity) દ્વારા જ થાય છે. આ સૃષ્ટિ પણ એક સર્જન હોવાથી એનો સંકલ્પ કરનાર ચૈતન્યની હયાતી સૃષ્ટિના પહેલેથી જ હતી. અજન્મા હોવાથી આ ચૈતન્યને, “જે જન્મે છે તે મરે છે” નો નિયમ લાગુ ના પડવાથી તે અમર છે. અને શૂન્યમાંથી સર્વ સર્જન કરનારની સર્વસક્ષમતા સાબિત થાય છે જેથી એને આપણે ઈશ્વર કહીએ છીએ. આમ સર્જનતાના સિધ્ધાંત (Principle of Creation) પ્રમાણે પણ “ઈશ્વર છે”.
આ બ્રહ્માંડ સર્જિત છે કે અનાદિ છે, તે અલગ પ્રશ્ન છે. પરંતુ જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તેના અંતિમ આધારનો પ્રશ્ન તો રહે જ છે. ભલે બ્રહ્માંડ અનાદિ હોય કે સર્જિત હોય, પરંતુ તેના અસ્તિત્વ, વ્યવસ્થા અને જ્ઞાનગ્રાહ્યતાનો પ્રશ્ન યથાવત રહે છે.
આધાર નો નિયમ જાણવો જોઈએ: કળા-ચિત્રને કાગળનો, કાગળને પાટીયાનો, પાટીયાને ભૂમિનો અને ભૂમિને પૃથ્વીનો આધાર છે. ઉડતા પંખીને હવાનો, હવાને પૃથ્વી નો આધાર છે. આપણે પણ પૃથ્વીના આધારે ઊંચા ઊંચા બહુમાળી મકાનો બનાવવાને સમર્થ થઇએ છીએ. આધાર વિના અસ્તિત્વ નથી કે નથી ટકતી કોઈ વસ્તુ. પ્રત્યેક વસ્તુને કોઈ ને કોઈ આધાર છે. આધારને પણ કોઈનો આધાર છે. બુદ્ધિને એટલું તો અવશ્ય માનવું જ પડશે કે – સમસ્ત સૃષ્ટિ જે અનાદિકાળથી ટકેલી છે, કોઈ તો અંતે એવું એક તત્વ અચૂક હશે જે સ્વયં સર્વ આધારોનો આધાર છે. અંતમાં – સંપૂર્ણ, પૂરેપૂરું, સ્વતંત્ર, આપખુદ, અબાધિત, બિનશરતી એવું કઈક તત્વ અવશ્ય હોવું જોઈએ, જેને બીજા કોઈ આધારની જરૂર નથી. એવું શું છે જે બદલાતું નથી? એવું શું છે જે કોઈના ઉપર પણ આધારિત નથી? ઇન્દ્રિયો દ્વારા જોવાય એવું કઈ જ નથી. આપણું મન અને બુદ્ધિ પણ બદલાતા રહે છે. “કઈ જ સ્થિર નથી” એનો સાક્ષી આત્મા એ સ્થિર છે. એ જ આત્મા જે કોઈ પણ કાળે, કોઈ પણ સ્થાને બદલાતો નથી. પૃથ્વીને આકાશનો, આકાશને ચિત્તનો અને ચિત્તને આત્માનો આધાર છે. (આત્મા એ જ પરમાત્મા).
આ જગતમાં જે કંઈ છે તે બધું કોઈને કોઈ કારણ, આધાર અથવા શરત પર ટકેલું છે. વૃક્ષ બીજ પર આધારિત છે. બીજ વૃક્ષ પર આધારિત છે. પૃથ્વી ભૌતિક નિયમો પર આધારિત છે. ભૌતિક નિયમો બ્રહ્માંડના અસ્તિત્વ પર આધારિત છે.
હવે પ્રશ્ન થાય:
શું સમગ્ર વાસ્તવિકતા માત્ર આધારિત વસ્તુઓનો અનંત સમૂહ હોઈ શકે? જો બધું જ બીજાની ઉપર આધારિત હોય, તો આખી સાંકળનો આધાર શું? અનંત પાછળ જતાં રહીએ તો પણ પ્રશ્ન રહે: “આ બધું છે જ કેમ? કશું જ કેમ નથી?”
અહીંથી દાર્શનિકો કહે છે કે અંતે કોઈ એક એવું તત્ત્વ હોવું જ જોઈએ: જે સ્વયં અસ્તિત્વ ધરાવે, જે બીજા કોઈ પર આધારિત ન હોય, જેનું ન હોવું શક્ય ન હોય. વેદાંત તેને બ્રહ્મ કહે છે. ब्रह्मसूत्र નું પ્રથમ સૂત્ર પણ આ જ દિશામાં જાય છે: जन्माद्यस्य यतः । “જેમાંથી આ જગતનું ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે.”
પ્રશ્ન કરો:
જો બ્રહ્મ નથી, તો અસ્તિત્વનું અંતિમ કારણ શું છે?
જો આત્મા નથી, તો અનુભવનો સાક્ષી કોણ છે?
જો ચેતના માત્ર પદાર્થ છે, તો પદાર્થ પોતાને જાણે કેવી રીતે છે?
આત્મા નું ઉદાહરણ
अनधिष्ठितस्य पूतिभावप्रसन्गान्न तत्सिध्धि:|| [साङ्ख्य दर्शन – 6.60]
વિના આત્મા શરીર સડી જવાને લીધે આત્મા વગર શરીરની રચના સંભવ નથી. એવી જ રીતે સમસ્ત સૃષ્ટિ જેનું શરીર છે તે પરમાત્મા વિના સૃષ્ટિની રચના સંભવ નથી. (The holistic approach).


ખુબજ સુંદર સહજ રીતે સમજાવ્યું.
LikeLike
Nice!!! The attempt made is really worthy… I appreciate this.. and also inspirational for me.
LikeLike
🌸👌🌸🌸🙏🌸🌸
અદ્ભુત
માટે જ કહેવાયેલુ છે કે……
યાવદ્દગર્જન્તિ શાસ્ત્રાણી જંબૂકા વીપીને યથા ।
ન ગર્જતી મહાશક્તિ યાવદ્દવેદાન્તકેસરી ।।
🌸🙏🌸🌺🙏🌺🌹🙏🌹
LikeLike
Nice!!! The attempt made is really worthy… I appreciate this.. and also inspirational for me. ખુબજ સુંદર સહજ રીતે સમજાવ્યું. ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
LikeLike
“એટલે જ મૂર્ખ નાસ્તિકો જાહેરમાં ઈશ્વરના અસ્તિત્વને નકારવાની હિંમત કરે છે, અને ગરીબ અસહાય આસ્તિક લોકો મૌન ધારણ કરે છે.” – આજ વાક્યને ઉલ્ટું કરીને પણ વાંચી શકાય!
રમેશભાઇની જય હો!।
હરિઑમ તતસત..
LikeLike
Jay ho bhai
LikeLike
વાહ ખૂબ જ સુંદર…અદ્ભુત…!!
LikeLike