दिशाज्ञानं विना शास्त्रं न फलति कदाचन। यथार्थदिक्समायुक्तं गृहं सौख्यप्रदं भवेत्॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
દિશાનું યોગ્ય જ્ઞાન વિના વાસ્તુશાસ્ત્ર ફળ આપતું નથી. સાચી દિશાની સમજ સાથે રચાયેલ ગૃહ સુખ અને સમૃદ્ધિ આપે છે.
વાસ્તુ શાસ્ત્રના પ્રયોગો કરતા પહેલા ઘરની કે ઓફિસની સાચી દિશા સમજવી અત્યંત આવશ્યક છે. હોકા યંત્ર હોવા છતાં, વાસ્તુ શાસ્ત્રનું પુસ્તક હોવા છતાં ખોટી રીતે વાસ્તુ મુકાયાની પુરેપુરી સંભાવના રહેલ છે જો દિશાની સમજ ન કેળવી હોય. માટે સાચી દિશાઓ જાણવી અનિવાર્ય છે. વાસ્તુશાસ્ત્રમાં કોઈપણ ગૃહ, કાર્યસ્થળ અથવા સ્થાપત્યનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તત્ત્વ “સાચી દિશાની ઓળખ” માનવામાં આવે છે. દિશાની ચોક્કસ સમજ વગર કરવામાં આવેલ વાસ્તુ-નિર્ધારણ ભ્રમજનક બની શકે છે અને સમગ્ર આયોજનના સંતુલનને અસર કરી શકે છે. પરંપરાગત દૃષ્ટિએ સૂર્યના ઉદય-અસ્તના સ્થાન અને ઋતુ અનુસાર તેની ઝુકાવમાં થતો ફેરફાર દિશાની સમજમાં મહત્વ ધરાવે છે. તેથી વાસ્તુ નિર્ધારણ માટે સ્થિર અને પ્રમાણભૂત માપ તરીકે ચુંબકીય દિશાસૂચક (કંપાસ)નો ઉપયોગ યોગ્ય ગણાય છે. વાસ્તુ અનુસાર દિશા નિર્ધારણ કરતી વખતે સમગ્ર સ્થળના મધ્ય ભાગમાંથી દિશાઓનું અવલોકન કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે, કારણ કે અલગ-અલગ ખંડોમાં દિશાની અનુભૂતિ બદલાઈ શકે છે. ઉપરાંત, ગૃહનો આકાર ચોરસ હોય કે લંબચોરસ, દિશાઓની ચોકસાઈ જાળવવી અત્યંત આવશ્યક છે. આ રીતે દિશાની સાચી સમજ વિના વાસ્તુના અન્ય તમામ નિયમો અધૂરા ગણાય છે, કારણ કે સમગ્ર વાસ્તુશાસ્ત્ર દિશા અને તત્ત્વોના સંતુલન પર આધારિત છે.


- ઉનાળામાં સૂર્યની પૂર્વ શિયાળાની પૂર્વ દિશા કરતા થોડી ખસેલી હોય છે. માટે વાસ્તુ જોવા માટે હંમેશા ચુંબકીય સોય (હોકાયંત્ર) જ વાપરવું.
- ઘરના અલગ અલગ ઓરડામાં અલગ અલગ દિશા અને ખૂણા બતાવશે. હોકાયંત્ર ઘરની સાચી વાસ્તુ દિશા જાણવા માટે સદા મધયમાં રાખીને જોવું.
- ઘરનો નકશો ચોરસને બદલે જો લંબચોરસ હોય તો પણ દિશાઓ જોવામાં કાળજી રાખવી પડે છે.

