પાપ ધોવાના સાધનો

 


કોઈને એમનેમ લીલા લહેર હોય છે, પૂર્વ-જન્મના પુણ્ય કર્મોનાં પ્રતાપથી આ જન્મે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જે ઈશારો આપે છે કે – યોગક્ષેમ તો તમારું વહન થશે હવે ઈશ્વરમાં મન લગાડી તમારું પરલોક સુધારો. અને, બીજી બાજુ ઘણા લોકો મહેનત કરી કરી ઘસાઈ જાય છે પણ સમૃદ્ધિ અને સફળતા દૂર દૂર સુધી દેખાતા જ નથી. આમ કેમ? તેમના પૂર્વ-જન્મનાં પાપ કર્મો રૂપી ફળ આ જન્મે તેમને આગળ વધવામાં બાધા કરે છે.

આંગણું ઝાડુથી, ઘર કપડાથી અને શરીર પાણીથી સ્વચ્છ  કરશો.પણ મન અને બુદ્ધિ સ્વચ્છ કેવી રીતે કરશો? 

ખોટી દિશામાં જમવા બેસવાથી, ખોટી જગ્યાએ શૌચ કરવાથી માંડીને બ્રહ્મ મૂહૂર્તમાં ના ઉઠવાથી લઇ ને, રાંધવા, ખાંડવા કે કચરો વાળવાથી લઇ મનુસ્મ્રુતીમાં દર્શાવેલ ખોટા આચાર વિચારથી – કરોડો કલ્પોના પાપો જમા થયા હોય છે.દુષ્કૃત્યોના પરિણામરૂપ પાપની (મન તથા બુદ્ધિ ઉપર થયેલ) માઠી અસરો ધોવાના સાધનો શાસ્ત્ર કથિત નીચે પ્રમાણે છે.

શ્રધ્ધા અને વિશ્વાસની પુંજીથી મેળવેલ ભક્તિના રસથી, બુદ્ધિ ઉપર લાગેલ અહંતા અને મમતાની બાજેલી છારીઓ ઓગળશે, પછી, તત્વ-જ્ઞાનના ગોળા બુદ્ધિમાં ઉતરી શકશે જેથી અજ્ઞાન દૂર થશે. અજ્ઞાન દૂર થતા સત્ય પ્રકાશશે જેના તાપથી દુષ્કૃત્યો એવી રીતે ભસ્મ થશે જેવી રીતે પ્રજ્વલિત અગ્નિથી રાખ થતા કાષ્ઠ.

ભક્ત હંમેશા પોતાનું લોક અને પરલોક સુધારવામાં રત હોય છે જેને માટે કર્મો બાળવા અને પાપ ધોવા એ મુખ્ય છે. પ્રસ્તુત છે ભક્તના કર્મો / પાપ ધોવાના સાધનો


રામ, નારાયણ, અનંત, મુકુંદ, મધુસુદન, કૃષ્ણ, કેશવ, કંસારે, હરે, વૈકુંઠ, વામન આ અગ્યાર નામોનું જે પાઠ કે પઠન કરે છે તે સહસ્ત્ર કોટી (એક હજાર કરોડ) જન્મોના પાપોથી મુક્ત થઇ જાય છે. [ब्रह्मवैवर्तपुराण – 111.19-20]

જે મનુષ્ય ખૂબ સમાહિત થઇ “રામ ગીતા (અધ્યાત્મરામાયણ)” નું પઠન રોજ 1 માસ સુધી કરે છે તેના સર્વ પાપો નાશ પામે છે. બ્રહ્મહત્યાજેવા મહાપાપો પણ નાશ પામે છે. [માહાત્મ્ય – અધ્યાત્મરામાયણ]

દ્વાદશ જ્યોતિર્લીંગનું સ્મરણ જે મનુષ્ય નિત્ય પ્રાત:કાળ અને સાયંકાળ કરે છે તેના 7 જન્મોના પાપો તત્કાળ નાશ પામે છે.

દેવી અથર્વ શીર્ષ અથવા ગણપતિ અથર્વશીર્ષ (ફળશ્રુતિ સહીત) જે મનુષ્ય પ્રાત:કાળે કરે તો રાત્રીના સમસ્ત પાપો અને જો રાત્રે કરે તો આખા દિવસનાં સર્વ પાપો નિસ્સંદેહ નાશ પામે છે.

ત્રિદલ બીલીપત્ર ભગવાન શિવને ભાવથી અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપો નાશ પામે છે.

કંટાળતા કંટાળતા પણ “રામ” નું નામ લેવાથી અનેક પાપો નાશ પામે છે.

ભગવાન વિષ્ણુની ભક્તિ રાખી, શ્રધ્ધાથી એકાદશીના વ્રતો કરવાથી સુમેરુ જેવડા મોટા મોટા પાપો પણ મટી જાય છે (નાશ પામે છે).

જે નિત્ય ત્રિકાળ સંધ્યા કરે છે તેના અહોરાત્ર(દિવસ-રાત)ના જાણતા-અજાણતા કરેલ સર્વ પાપો નાશ પામે છે.

પશ્ચાતાપ પણ એક અગ્નિ છે જેમાં દુષ્કૃત્યો બળીને ભસ્મ થાય છે.

નિદ્રામાંથી જાગ્યા પશ્ચાત સ્વપ્નની ક્રિયા જેમ નાશ પામે છે, એવી જ રીતે ‘હું બ્રહ્મ છું’, એવું જ્ઞાન થઇ જવાથી કરોડો કલ્પોના સંચિત કર્મોનો નાશ થાય છે. [विवेकचूडामणि – 448]


વર્તમાન ભાગ્યને ભોગવીને, નવા નવા સંકલ્પો અને મહેચ્છાઓ ન કરતા, હાલના આવી પડેલ કર્મોમાં આળસ ન કરીને કુશળતા પૂર્વક નિષ્કામ કર્મો કર્યે જવા. આ જ એક રસ્તો છે સંસારના આ અનંત ચક્કરમાં થી નીકળવાનો. અમુક જ હોંશિયાર લોકો હોય છે જે આ ક્રિયાને ઝડપી કરવા માટે કર્મ બાળવાના (પાપ ધોવાના) સાધનો નો ઉપયોગ કરી લે છે. ચાલો આપણા રોજીંદા નિત્ય, નૈમિત્તિક તથા નિત્ય-નૈમિત્તિક કર્મો કરતા કરતા પાપ સમૂહોનો પણ નાશ કરીએ જેથી આપણું કલ્યાણ ઝડપથી થાય. કારણકે – 

પાપને ઢાંકવું વ્યર્થ 

धनेनाधर्मलब्धेन यच्छिद्र्मपिधीयते | असंवृतं तद्भवति ततोअन्यदवदीर्यते  ||

અધર્મથી પ્રાપ્ત ધનથી જો મનુષ્ય પોતાના છિદ્રો (ભૂલ / પાપ) ઢાંકવા જાય છે તો એ છિદ્ર ન ઢંકાઈને ઉલટું બીજા છિદ્રો ઉઘાડા પડી જાય છે.  [विदुरनीति – 3.70]


SocialService