સ્વામી વિવેકાનંદ

શ્રદ્ધા અને સામર્થ્ય


૧. તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ અત્માઓ છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતીને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો! ઉભા થાઓ અને ‘અમે ઘેટાં છીએ’ એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી; જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.

— સ્વામી વિવેકાનંદ

૨. જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. જૂના ધર્મોએ કહ્યું છેઃ ‘જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તિક છે.’ નવો ધર્મ કહે છેઃ ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.’

— સ્વામી વિવેકાનંદ

૩. શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઇશ્વરમાં શ્રદ્ધાઆ છે મહાનતાનું રહસ્ય. તમારા તેંત્રીસ કરોડ પૌરાણિક દેવતાઓમાં તમે શ્રદ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો-અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. આત્મ શ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઊભા રહો અને બળવાન બનો.

— સ્વામી વિવેકાનંદ

૪. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવાં જોઇએ. ખંતીલો માણસ કહે છેઃ ‘હું સગરને પી જઇશ, મારી ઇચ્છા થતાવેંતપર્વતો કડડભૂસ થઇને તૂટી પડશે.’ આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો.

— સ્વામી વિવેકાનંદ

૫. મહત્વનો મુદ્દો આ છેઃ बल એટલે જીવન; निर्बलता એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન; નિર્બળતા એટલે સતત તાણ અને યાતના; નિર્બળતા એટલે જીવનનો ક્ષય.

— સ્વામી વિવેકાનંદ

૬. જગતને થોડાં વીર સ્ત્રીપુરુષોની જરુર છે. એવી વીરતાનું આચરણ કરો, જે ‘સત્ય’ને જાણવાનું સાહસ કરે, જીવનમાં તેને પ્રગટ કરવાની હિંમત દાખવે, જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રુજે નહીં-પણ તેનું અભિવાદન કરે અને

— સ્વામી વિવેકાનંદ

૭. કાર્ય કરવું એ ઘણુ સારું છે. પરંતુ તે વિચારમાંથી આવે છે…માટે મસ્તિષ્કને ઉન્ન્ત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી દ્રષ્ટિ સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

— સ્વામી વિવેકાનંદ

૮. જગતની દુષ્ટતાની અને તેનાં પાપોની વાત નહીં કરો. હજી તમારે એ દુષ્ટતા જોવી પડે છે એથી ખેદ અનુભવો. હજી પણ સર્વત્ર તમારે પાપનું દર્શન કરવું પડે છે એથી આંસુ સારો; અને તમારે જો જગતને સહાય કરવીજ હોય તો તમે તેની નિંદા નહીં કરો, તેને વધુ કમજોર નહીં બનાવો. આખરે તો પાપ કે દુખ એટલે શું? એ બધું કમજોરીનું પરિણામ નહીં તો બીજું  શું છે? આવા ઉપદેશો જગતને દિનપ્રતિદિન વધુ ને વધુ કમજોર બનાવી રહ્યા છે.

— સ્વામી વિવેકાનંદ

૯. બાલ્યકાળથી જ એમનાં મસ્તકમાં નિશ્ચિત, દ્રઢ અને સહાયક વિચારોનો પ્રવેશ થવા દો. આવા વિચારો પ્રત્યે તમારી જાતને અભિમુખ કરો, જીવનને કમજોર અને નિષ્ક્રિયબનાવે એવા વિચારો પ્રત્યે નહીં.

— સ્વામી વિવેકાનંદ

૧૦. નિષ્ફળતાઓની ચિંતા કરશો નહીં; તેઓ તદ્દન સ્વાભાવિક છે, જીવનના સૌંદર્યરૂપ છે. એમના વગરનું જીવન કેવું હોય? જો સંઘર્ષો ન હોય તો જીવનની પ્રાપ્તિનું પણ કશું જ મૂલ્ય નથી. એમના વિના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય? સંઘર્ષોની, ભૂલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જૂઠું બોલતી કદાપિ સાંભળી નથી, પણ એતો ગાયની કોટિ થઈ, માણસની નહીં. એટલે આ નાની નાની નિષ્ફળતાઓની, નાનાં નાનાં સ્ખલનોની, પરવા કરશો નહીં. તમારા આદર્શને હજારવાર ઊંચો ધરી રાખો અને જો હજારવાર નિષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.

— સ્વામી વિવેકાનંદ

૧૧. વિશ્વની તમામ શક્તિઓ આપણીજ છે. આપણે જ આપણા હાથ આંખો ઉપર મૂકીએ છીએ અને પછી બરાડા પાડીએ છીએ કે સર્વત્ર અંધકાર છે. જાણી લ્યો કે આપણી આસપાસ અંધકાર નથી. હાથ ઉઠાવીલ્યો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો ત્યાં પહેલેથી જ હતો. અંધકારનું, નિર્બળતાનું ક્યારેય અસ્તિત્વ ન હતું. મૂર્ખ એવા આપણે બરાડા પાડીએ છીએ કે આપણે નિર્બળ છીએ, અપવિત્ર છીએ.

— સ્વામી વિવેકાનંદ

૧૨. નિર્બળતાનો ઉપાય તેનો વિચાર કર્યા કરવો એ નથી, પણ શક્તિનો વિચાર કરવો એ છે. મનુષ્યોમાં જે શક્તિ પહેલેથી જ છે તેની કેળવણી આપો.

— સ્વામી વિવેકાનંદ

૧૩. આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરૂપ છે. જો  આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શિક્ષણ અને આચરણ થયું હોત તો મને ખાતરી છે કે આપણાં અનિષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

— સ્વામી વિવેકાનંદ

૧૪. માનવજાતિના સારાયે ઇતિહાસમાં તમામ મહાન સ્ત્રીપુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઇ શક્તિ હોય તો તે આત્મશ્રદ્ધાની છે. પોતે મહાન થવા માટે નિર્માયાં છે એવી જન્મજાત સભાનતાને કારણે તેઓ મહાન થયાં.

— સ્વામી વિવેકાનંદ

૧૫. માણસનું ગમે તેટલું અધઃપતન થાય, પરંતુ આખરે એવો સમય અવશ્ય આવશે કે જ્યારે કેવળ નિરાશાની પરિસ્થિતિમાંથી તે ઊંચો જવાનો પ્રયત્ન કરશે અને આત્મશ્રદ્ધા કેળવતાં શીખશે. પરંતુ આ સત્ય આપણે પહેલેથી જાણી લઇએ એ આપણા માટે વધુ સારૂં છે. આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઇએ?

— સ્વામી વિવેકાનંદ

૧૬. આપણે જોઇ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કાંઇ ભેદ છે તે આત્મશ્રદ્ધાના હોવા ન હોવાની બાબતમાં છે. આત્મશ્રદ્ધાથી બધુંજ શક્ય બનશે. મેં મારા પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ કર્યો છે. અને હજી પણ હું એ અનુભવ કરી રહ્યો છું; અને મારી વય વધતી જાય છે તેમ તેમ એ શ્રદ્ધા પણ વધુ ને વધુ દ્રઢ બનતી જાય છે.

— સ્વામી વિવેકાનંદ

૧૭. શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી કેટલી બધી શક્તિ, કેટલી બધી તાકાત છુપાઇને પડેલી છે? માણસમાં જે કંઇ છે તે બધું કયા વૈજ્ઞાનિકે જાણ્યું છે? મનુષ્યે અહીં પ્રથમ પગ મુક્યો તેને લાખો વર્ષો વ્યતીત થઇ ગયાં છે-અને છતાંયે તેની શક્તિઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભિવ્યક્ત થયો છે. માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેશમાત્ર કહેશો નહીં. સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો! તમારી અંદર જે પડેલું છે તેના વિશે તમે ભાગ્યે જ કાંઇ જાણો છો.તમારી અંદર તો અસીમ શક્તિ અને ધન્યતાનો મહાસાગર ઉછળી રહેલો છે.

— સ્વામી વિવેકાનંદ

૧૮. જો ‘જડ પદાર્થ’ શક્તિમાન છે, તો ‘વિચાર’ સર્વ-શક્તિમાન છે. આ વિચારને તમારા જીવનમાં ઉતારો, તમારી સર્વ-શક્તિમત્તા, તમારી ભવ્યતા અને તમારા મહિમાના વિચારથી તમારી જાતને ભરી દો. ઇશ્વર કરે ને તમારા મસ્તકમાં કોઇ વહેમનો પ્રવેશ ન થાય! ઇશ્વર કરે ને આપણે જન્મથી જ આવી બધી વહેમગ્રસ્ત અસરોથી અને આપણી નિર્બળતા અને અધમતાના, જીવનને નિષ્ક્રિય બનાવનાર ખ્યાલોથી ઘેરાઇ ન જઇએ!

— સ્વામી વિવેકાનંદ

૧૯. તમારી જીવાણુકોષની અવસ્થાથી આજની મનુષ્ય અવસ્થા સુધીનું નિરીક્ષણ કરો; આ બધું કોણે કર્યું? તમારી પોતાની ઇચ્છાશક્તિએ જ. એ સર્વશક્તિમાન છે એ હકીકતનો શું તમે ઇન્કાર કરી શકો ખરા? જે શક્તિએ તમને આટલું ઉચ્ચ સ્થાન અપાવ્યું તે હજી પણ તમને ઉચ્ચતર સ્થાન અપાવી શકે. તમારે જરૂર છે ચારિત્ર્યની, ઇચ્છાશક્તિને વધુ બળવાન બનાવવાની.

— સ્વામી વિવેકાનંદ

૨૦. ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનનાં રાશિ ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઇ શબ્દ તમને જડી આવતો હોય તો ને શબ્દ છે ‘अभीः’, ‘अभय’. અને જગતને જો કોઈ એક ધર્મનું શિક્ષણ આપવું હોય જોઇએ તો એ છે અભયના ધર્મનું શિક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચૂક કારણ છે. ભયથી દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનિષ્ટ ઊભું થાય છે.

— સ્વામી વિવેકાનંદ

૨૧. તમારા સ્નાયુઓને મજબૂત બનાવો. આપણને જરૂર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે રડવાની જરૂર નથી. તમારા પગ ઉપર ઊભા રહો; મર્દ બનો.

— સ્વામી વિવેકાનંદ

૨૨. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મળે પાછળથી આવશે. મારા નવયુવાન મિત્રો! બળવાન બનો; તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઇએ, કારણ કે તમે મને પ્રિય છો. મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું, મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારાં બાવડાં, તમારા સ્નાયુઓ સહેજ મજબૂત હશે, તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારી નસોમાં સહેજ વધુ શક્તિશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રીકૃષ્ણની વિરાટ પ્રતિભાને અને પ્રચંડ શક્તિને વધુ સારી રીતે પિછાની શકશો. જ્યારે તમારો દેહ તમારા પગ ઉપર દ્રઢ રીતે ખડો રહી શકશે અને તમે મર્દાનગીનો ભાવ અનુભવશો ત્યારે તમે ઉપનિષદો અને આત્માના મહિમાને વધુ સારી રીતે જાણી શકશો.

— સ્વામી વિવેકાનંદ

૨૩. જરૂર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઇ રહેશે, પણ ખરેખર તો બળવાન, દ્રઢ, શ્રદ્ધાવાન અને નિષ્ડાથી ઉભરાતા નવયુવકોની જરૂર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સૂરત પલટી જાય.

— સ્વામી વિવેકાનંદ

૨૪. બીજી કોઇ પણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઇ પણ વસ્તુને ઝૂકવું પડે, કારણ કે તે ઇશ્વરમાંથી અને સ્વયં ઇશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુદ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વશક્તિમાન છે. શું તમને તેમાં શ્રદ્ધા છે?

— સ્વામી વિવેકાનંદ

૨૫. હા, જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધુ ને વધુ લાગે છે કે મર્દાનગીમાં જ બધું આવી જાય છે. આ મારો નવો સંદેશ છે. ભલે ખોટું કરો પણ તે મર્દની જેમ! છૂટકો ન હોય ત્યારે ભલે મોટા પાયા ઉપર દુષ્ટ બનો, પણ તે મર્દની જેમ!

— સ્વામી વિવેકાનંદ

૨૬. જગતનો ઇતિહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રદ્ધા હતી એવા મનુષ્યોનો ઇતિહાસ. એવી શ્રદ્ધા મનુષ્યની અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રદ્ધા વડે તમે ઇચ્છો તે કરી શકો.

— સ્વામી વિવેકાનંદ

પ્રેમ અને નિઃસ્વાર્થતા


૧. નિઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.

— સ્વામી વિવેકાનંદ

૨. ઉચ્ચ સ્થાન ઉપર ઊભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, ‘આવ, આ લે ભાઇ,’ પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે. એટલે તમે તેને દાન આપીને તમારી જાતને જ સહાય કરી શકો છો. લેનાર નહીં પણ દેનાર જ ધન્ય છે. ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તિને પ્રગટ કરવાનો અને એ રીતે શુદ્ધ અને પૂર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે.

— સ્વામી વિવેકાનંદ

૩. બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભૂલી જવા મથીએ છીએ; આ રીતે પોતાની જાતને ભૂલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે. માણસ એવું માનવાની મૂર્ખાઇ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે, પણ વર્ષોના સંઘર્ષ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થત્યાગમાં રહેલું છે. અને પોતાના સિવાય અન્ય કોઇ માણસ તેને સુખી કરી શકશે નહીં.

— સ્વામી વિવેકાનંદ

૪. સ્વાર્થ એટલે અનીતિ, અને સ્વાર્થત્યાગ એટલે નીતિ.

— સ્વામી વિવેકાનંદ

૫. ખ્યાલ રાખો કે સમગ્ર જીવન એટલે આપતાં રહેવું તે. પ્રકૃતિ જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે. એટલે રાજીખુશીથી આપો… તમે સંગ્રહ કરવા માટે જીવન ધારણ કર્યું છે. મુઠ્ઠી ભરીને તમે બધું લઇ લેવા ઇચ્છો છો. પરંતુ પ્રકૃતિનો પંજો તમારા ગળા ઉપર પડે છે. અને તમારા હાથની મુઠ્ઠી ઉઘડાવે છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે કહો છો “હું નહીં આપુ” તે જ ક્ષણે ફટકો પડે છે; તમે ઝખ્મી બનો છો, આ જગતમાં એવું કોઇ પણ નથી કે જેને આખરે તો બધું છોડી દેવાની ફરજ ન પડે.

— સ્વામી વિવેકાનંદ

૬. તમામ પૂજા-ઉપાસનાઓનો સાર આ છે- શુદ્ધ થવું અને બીજાનું ભલું કરવું. જે મનુષ્ય દીનદુર્બળ અને રોગી લોકોમાં શિવનું દર્શન કરે છે એ જ સાચા અર્થમાં શિવનો ઉપાસક છે; પરંતુ જો તે કેવળ મૂર્તિમાં જ શિવનું દર્શન કરતો હોય તો તેની ઉપાસના કેવળ પ્રાથમિક દશાની છે.

— સ્વામી વિવેકાનંદ

૭. નિઃસ્વાર્થવૃત્તિ જ ધર્મની કસોટી છે. જે મનુષ્યમાં આવી નિઃસ્વાર્થવૃત્તિ વધારે પ્રમાણઆં હોય તે વધુ આધ્યાત્મિક અને શિવ ભગવાનની વધુ સમીપ છે…કોઇ મનુષ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાય મંદિરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એક દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારી હોય, તો પણ ભગવાન શિવથી તે ઘણો ઘણો દૂર છે.

— સ્વામી વિવેકાનંદ

૮. હું કેવળ પ્રેમ અને પ્રેમનો જ ઉપદેશ આપું છું-અને પરબ્રહ્મની એકતા અને સર્વવ્યાપકતાનું વેદાંતનું મહાન સત્ય એ મારા ઉપદેશનો પાયો છે.

— સ્વામી વિવેકાનંદ

૯. પહેલાં અન્ન પછી ધર્મ. જ્યારે ગરીબ લોકો ભૂખે મરતા હોય છે ત્યારે આપણે તેના ઉપર વધુ પડતો ધર્મ લાદીએ છીએ. મતવાદોથી કંઇ ભૂખની જ્વાળા શાંત પડે નહીં…તમે ભલે લાખો સિદ્ધાંતોની વાતો કરો, તમે ભલે કરોડો સંપ્રદાયો ઊભા કરો, પણ જ્યાં સુધી તમારી પાસે સંવેદનશીલ હૃદય ન હોય, વેદના ઉપદેશ પ્રમાણે જ્યાં સુધી એમના માટે લાગણી ન ધરાવો, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ, રંક અને ધનિક, સંત અને પાપી એ તમામ, જેને તમે બ્રહ્મ કહો છો એવા એક અનંત વિરાટના ભાગરૂપ છો, ત્યાં સુધી એ બધું વ્યર્થ છે.

— સ્વામી વિવેકાનંદ

૧૦. દુઃખી મનુષ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો-એવી સહાય અવશ્ય આવી મળશે. મારા હૃદય ઉપર આ ભાર રાખીને અને મારા મસ્તિષ્કમાં આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્ષ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનિકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હૃદયે અડધી દુનિયા ઓળંગીને હું આ અજાણી ભૂમિમાં આવ્યો. પ્રભુ મહાન છે. હું જાણું છું કે એ મને સહાય કરશે. હું આ ભૂમિમાં ઠંડી કે ભૂખથી ભલે મૃત્યુ પામુ. પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાન અને પીડીત લોકો માટે આવી સહાનુભૂતિ, આવો સંઘર્ષ મૂકતો જાઉં છું.

— સ્વામી વિવેકાનંદ

૧૧. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વિશેષ મરેલા છે.

— સ્વામી વિવેકાનંદ

૧૨. જે ધર્મ કે જે ઇશ્વર વિધવાનાં આંસુઓ લૂછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટૂકડો મૂકી ન શકે એવા ધર્મ કે ઇશ્વરમાં હું માનતો નથી.

— સ્વામી વિવેકાનંદ

૧૩. પ્રેમ કદાપી નિષ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબંધુઓને ચાહો છો?

— સ્વામી વિવેકાનંદ

૧૪. ઇશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઇશ્વરસ્વરૂપ નથી? તો એમની પૂજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કૂવો ખોદવા શા માટે જવું?

— સ્વામી વિવેકાનંદ

૧૫. પ્રેમની સર્વશક્તિમત્તામાં શ્રદ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તિમાન છો. શું તમે સંપૂર્ણપણે નિઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઇ પણ વ્યક્તિ તમારો પ્રતિકાર કરી શકશે નહીં ચારિત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.

— સ્વામી વિવેકાનંદ

૧૬. મારું હૃદય લાગણીથી એટલું બધું ભરાઇ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભૂખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી તેવા દરેક માણસને હું દેશદ્રોહી કહું છું. ભૂખ્યા જંગલીઓની જેમ જીવતા પેલા વીસ કરોડ લોકો માટે જેઓ કશું જ કરતા નથી, ગરીબોને ચૂસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બંધુઓ, આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુષ્યો હંમેશા પરમાત્માના નિમિત્તરૂપ બની રહે છે.

— સ્વામી વિવેકાનંદ

૧૭. મને મુક્તિ કે ભક્તિની કશી પરવા નથી; ‘વસંતઋતુની જેમ (મૂક રહીને) લોકહિત કરતાં કરતાં’ હું લાખો નર્કોમાં જવા તૈયાર છું-આ છે મારો ધર્મ.

— સ્વામી વિવેકાનંદ

૧૮. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વિશેષ પ્રભાવશાળી છે; અને ભલાઇનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.

— સ્વામી વિવેકાનંદ

૧૯. વિકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વિકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એક્માત્ર નિયમ છે. જે પ્રેમપૂર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નિયમ છે. સ્વાર્થરહિત પ્રેમનું, સ્વાર્થરહિત કાર્યનું અને અન્ય વસ્તુઓનું એ જ રહસ્ય છે.

— સ્વામી વિવેકાનંદ

૨૦. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો ‘મહાનિયમ’ છે; ખેર! ભાવિ યુગોને પણ એ જ મહાનિયમ થશે. ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ પૃથ્વીના વીરતમ અને શ્રેષ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પૂર્ણ એવા સેંકડો બુદ્ધોની જરૂર છે.

— સ્વામી વિવેકાનંદ

૨૧. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રદ્ધા છે એવા સર્વ જીવોની-સમષ્ટિરૂપ ઇશ્વરની હું પૂજા કરી શકું; અને સૌથી વિશેષ તો સર્વજાતિઓ અને સર્વજીવોના દુષ્ટોમાં, દુઃખીઓમાં અને દરિદ્રોમાં રહેલો એવો મારો ઇશ્વર એ મારી વિશેષ પૂજાનો વિષય છે.

— સ્વામી વિવેકાનંદ

૨૨. જ્યારે આપણામાં સ્વાર્થવૃત્તિનો અભાવ હોય ત્યારે આપણું સર્વોત્તમ કાર્ય પરિપૂર્ણ થાય છે અને આપણો શ્રેષ્ઠ પ્રભાવ સિદ્ધ થાય છે.

— સ્વામી વિવેકાનંદ

૨૩. જગતના ધર્મો એ નિષ્પ્રાણ મશ્કરી જેવા થઇ પડ્યા છે. જગતને જરૂર છે ચારિત્ર્યની; જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નિઃસ્વાર્થતાથી પરિપૂર્ણ હોય એવા મનુષ્યોની. એવા પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રાની જેમ પ્રભાવ પાથરતો કરી મૂકશે.

— સ્વામી વિવેકાનંદ

૨૪. સર્વશ્રેઠ જીવનનો નિયમ છે આત્મત્યાગ, આત્માભિમાન નહિં.

— સ્વામી વિવેકાનંદ

૨૫. ઉત્કટ આત્મ-ત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાના કાજે કશી જ ઇચ્છા ન રાખો. અન્ય કાજે બધું જ કાર્ય કરો. આનું જ નામ ઇશ્વરમાં સ્થિતિ, ગતિ અને હસ્તી હોવી એ.

— સ્વામી વિવેકાનંદ

૨૬. કોઇ મનુષ્ય મુક્તિ વિહોણો રહી શકશે જ નહિં. આખરે સૌને પૂર્ણતાની પ્રાપ્તિ થશે. અહર્નિશ ઘોષણા કરો ; “આવો, મારા બંધુઓ! તમે નિર્મલતાના અનંત મહાસાગર છો! શિવરૂપ બનો! તમારા ઇશ્વર રૂપને પ્રગટ કરો!”

— સ્વામી વિવેકાનંદ

ઇશ્વર અને ધર્મ


૧. દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતિનાં નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્વજ્ઞાન-એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધુ ગૌણ છે.

— સ્વામી વિવેકાનંદ

૨. જો ઇશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઇએ; જો આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઇએ; નહીં તો, એમાં માનવું નહીં એ વધુ સારૂં છે. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે.

— સ્વામી વિવેકાનંદ

૩. આભ્યાસ એ સંપૂર્ણપણે આવશ્યક છે. ભલે તમે મારી પાસે બેસીને દરરોજ એકાદ કલાક શ્રવણ કરો, પરંતુ જો તમે અભ્યાસ ન કરો તો એક ડગલું પણ આગળ વધી શકો નહીં. બધો આધાર અભ્યાસ ઉપર છે. આ બધી બાબતોનો જ્યાં સુધી આપણે અનુભવ ન કરીએ ત્યાં સુધી આપણને તેમાં કદાપિ સમજ પડે નહીં. આપણે જાતે જ તેમનું દર્શન કરીને તેમને આત્મસાત્ કરવી જોઇએ, વિવરણો અને સિદ્ધાંતોનું કેવળ શ્રવણ કરવાથી કશું વળવાનું નથી.

— સ્વામી વિવેકાનંદ

૪. એક વિચારને ગ્રહણ કરો; તેને તમારું જીવન સર્વસ્વ બનાવી દો; તેના વિશે ચિંતન કરો, તેના સ્વપ્ન સેવો. એ વિચાર પર જ જીવો; તમારું મસ્તિષ્ક, તમારા સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ અને તમારા શરીરનું અંગેઅંગ-એ બધાંને એ વિચારોથી ભરી દો, અને એ સિવાયના અન્ય સર્વવિચારોને બાજુ પર મૂકી દો. સફળતા મેળવવાનો આ જ એક માર્ગ છે, અને આ રીતે જ મહાન આધ્યાત્મિક વિભૂતિઓનો ઉદય થાય છે.

— સ્વામી વિવેકાનંદ

૫. આ મહામાનવો-પયગમ્બરો-કોઇ અસામાન્ય મનુષ્યો ન હતા; તેઓ તમારી કે મારી જેમ મનુષ્યો હતા. તેઓ મહાન યોગીઓ હતા. તેઓએ આ સમાધિદશાની-ઉર્ધ્વચેતનાની દશાની-પ્રાપ્તિ કરી હતી અને આપણે પણ એમ જ કરી શકીએ. તેઓ કોઇ અનોખા પ્રકારના લોકો ન હતા. એક મનુષ્ય ક્યારેય પણ આવી પરમ દશાએ પહોંચ્યો છે હકીકત જ પુરવાર કરે છે કે પ્રત્યેક મનુષ્ય ત્યાં સુધી પહોંચી શકે; પહોંચી શકે એટલું જ નહીં, પણ આખરે તો પ્રત્યેક મનુષ્યે ત્યાં સુધી પહોંચવું જ જોઇએ. એનું નામ ધર્મ.

— સ્વામી વિવેકાનંદ

૬. મુક્તિનું મૂર્ત રૂપ, પ્રકૃતિનો નિયંતા એટલે જેને આપણે ‘ઇશ્વર’ કહીએ છીએ તે, તમે એ ઇશ્વરનો ઇન્કાર કરી શકો નહીં-હરગિજ નહીં, કારણ કે મુક્તિના ભાવ વગર તમે કશું કાર્ય કરી શકો નહીં, જીવી શકો નહીં.

— સ્વામી વિવેકાનંદ

૭. કોઇ પણ જીવન કદાપિ નિષ્ફળ હોઇ શકે નહીં. સંસારમાં નિષ્ફળતા જેવી કોઇ વસ્તુ જ નથી. ભલે સેંકડો વાર મનુષ્ય પોતાને હાનિ પહોંચાડે; ભલે હજારો વાર એ ઠોકર ખાય; પણ આખરે તેને અનુભૂતિ થવાની જ છે કે હું સ્વયં ઇશ્વરરૂપ છું.

— સ્વામી વિવેકાનંદ

૮. ધર્મ એટલે સિદ્ધાંતોનો, મતવાદો કે બૌદ્ધિક વાદવિવાદ નહીં; ધર્મ એટલે પરમતત્વમાં જીવવું, તદરૂપ થવું; ધર્મ એટલે અનુભૂતિ.

— સ્વામી વિવેકાનંદ

૯. ભગવાન ઇશુના શબ્દો યાદ રાખોઃ “માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલી જશે.” આ શબ્દો પૂર્ણ રીતે સાચા છે – અલંકારિક કે કાલ્પનિક નથી.

— સ્વામી વિવેકાનંદ

૧૦. બાહ્ય પ્રકૃતિને જીતવી એ સારું અને મહાન કાર્ય છે, પરંતુ આંતર પ્રકૃતિને જીતવી એતો એથી પણ વધુ મહાન કાર્ય છે…આ અંદરના માનવીને જીતવો, માનવ મનમાં અટપટી રીતે ચાલતી ક્રિયાઓનાં રહસ્યો સમજવાં અને તેનાં અદભુત રહસ્યો ઉકેલવાં એ બધું કાર્ય સર્વાંશે ધર્મનું છે.

— સ્વામી વિવેકાનંદ

૧૧. જીવન અને મૃત્યુમાં, સુખ અને દુઃખમાં ઇશ્વર સમાન રીતે વિધ્યમાન છે. સમગ્ર વિશ્વ ઇશ્વરથી જ ભરેલું છે. તમારાં નેત્રો ઉઘાડો અને તેનું દર્શન કરો.

— સ્વામી વિવેકાનંદ

૧૨. ઇશ્વરની પૂજા કરીને આપણે હંમેશા ખરેખર તો આપણી અંદર નિગૂઢ રીતે રહેલા ‘આત્મતત્વ’ની જ પૂજા કરીએ છીએ.

— સ્વામી વિવેકાનંદ

૧૩. ધર્મની અનુભૂતી થઇ શકે છે. શું તમે તેના માટે તૈયાર છો? શું તે તમને ખરેખર જોઇએ છે? જો એવું હોય તો તમને તેની અનુભૂતી અવશ્ય થશે અને પછી તમે સાચા અર્થમાં ધાર્મિક બનશો. જ્યાં સુધી તમે અનુભૂતી પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી નાસ્તિકો અને તમારી વચ્ચે કશો પણ ભેદ નથી. નાસ્તિકો તો પ્રામાણિક છે, પરંતુ જે મનુષ્ય પોતાને ધર્મમાં શ્રદ્ધા હોવાનું કહે છે છતાં તેની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરતો નથી તે પ્રામાણિક નથી.

— સ્વામી વિવેકાનંદ

૧૪. હું ભૂતકાળના તમામ ધર્મોનો સ્વિકાર કરું છું અને એમના આદેશ પ્રમાણે પૂજા કરું છું; ઇશ્વરને ગમે તે સ્વરૂપે તેઓ પૂજે, હું એ પ્રત્યેક ધર્મ પ્રમાણે ઇશ્વરની પૂજા કરું છું. હું મુસલમાનોની જેમ મસ્જિદમાં જઇશ; હું ખ્રિસ્તિઓના દેવળમાં જઇને ‘ક્રુસ’ની આગળ ઘૂંટણીએ પડીશ; હું બૌદ્ધોના મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન બુદ્ધ અને એમના શાસનનું શરણ શોધીશ. મનુષ્યમાત્રના હ્રદયમાં પ્રકાશ પાથરતી જ્યોતીનું દર્શન કરવા મથતા હિંદુ સાથે વનમાં જઈને હું ધ્યાનમાં બેસીશ.

— સ્વામી વિવેકાનંદ

૧૫. ભારતમાં જેને ‘યોગ’ કહીએ છીએ તેના દ્વારા આ ધર્મની પ્રાપ્તિ થાય છે. કર્મયોગી આ યોગને મનુષ્યો અને સમગ્ર મનુષ્યજાતિ વચ્ચેની એકતા રૂપે, રાજયોગી એને જીવ અને બ્રહ્મની એકતારૂપે, ભક્ત એને પ્રેમસ્વરૂપ ઇશ્વર અને પોતાની વચ્ચેની એકતા રૂપે અને જ્ઞાની એને બહુધા વિલસતા ‘સત્’ની એકતા રૂપે નિહાળે છે. ‘યોગ’નો અર્થ આ છે.

— સ્વામી વિવેકાનંદ

૧૬. હવે પ્રશ્ન આ છેઃ શું ધર્મ દ્વારા ખરેખર કંઇ સિદ્ધ થઇ શકે ખરું? હા, જરૂર થઇ શકે. ધર્મ મનુષ્યને અમર બનાવે છે. એણે જ મનુષ્યને તેની આજની સ્થિતિએ પહોંચાડ્યો છે અને એ જ આ મનુષ્ય-પશુને ઇશ્વર બનાવશે. આ છે ધર્મની સિદ્ધિ. મનુષ્ય-સમાજમાંથી ધર્મની બાદબાકી કરો અને પછી જુઓ કે શું શેષ રહે છે? પશુઓના જંગલ સિવાય બીજું કશું નહીં!

— સ્વામી વિવેકાનંદ

૧૭. તમને કોણ સહાય કરશે? તમે પોતે જ વિશ્વને માટે સહાયરૂપ છો. આ વિશ્વમાં કઇ વસ્તુ તમને સહાય કરી શકે? તમને સહાય કરે એવો મનુષ્ય, ઇશ્વર કે દાનવ ક્યાં છે? તમને કોણ પરાજિત કરી શકે? તમે જ આ વિશ્વના વિધાતા છો; સહાય માટે તમે બીજે ક્યાં પ્રયત્ન કરશો? એવી સહાય તો તમારા પોતાના સિવાય બીજે ક્યાંયથી ક્યારેય પણ આવી નથી. તમારા અજ્ઞાનને કારણે તમે એવું માની લીધું કે તમે કરેલી પ્રત્યેક પ્રાર્થનાનો જે ઉત્તર મળ્યો તે કોઇ ‘સત્વ’ તરફથી મળ્યો; પરંતુ ખરેખર તો તમે પોતે જ તમારી એ પ્રાર્થનાનો અજાણપણે ઉત્તર વાળ્યો છે.

— સ્વામી વિવેકાનંદ

૧૮. ગ્રંથોનું અધ્યયન કરીને આપણે એવા ભ્રમમાં પડીએ છીએ કે આપણને આધ્યાત્મિક સહાય મળી રહી છે; પરંતુ ગ્રંથોના અધ્યયનના આપણા ઉપર પડતા પ્રભાવનું પૃથ્થ્કરણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આવાં અધ્યયનોથી આપણી બુદ્ધિને લાભ થાય છે, આપણા અંતરાઅત્માને નહીં. આમ, આધ્યાત્મિક વિકાસને વેગ આપવામાં ગ્રંથોનું અધ્યયન અપર્યાપ્ત છે, એટલે જ આપણામાંથી લગભગ દરેક જણ આધ્યાત્મિક વિષયો ઉપર ભલે અત્યંત અદભુત ‘વ્યાખ્યાન’ આપી શકે, પરંતુ જ્યારે આચરણની કે સાચું આધ્યાત્મિક જીવન જીવવાની વાત આવે છે, ત્યારે આપણને ભાન થાય છે કે આ બાબતમાં આપણે ગજબ રીતે પ્રેરણા તો કોઇ બ્રહ્મનિષ્ઠ આત્મા પાસેથી જ પ્રાપ્ત કરવી જોઇએ.

— સ્વામી વિવેકાનંદ

૧૯. ઇશ્વર જ સત્ય છે આત્મા સત્ય છે; આધ્યાત્મિકતા જ સત્ય છે. તેમને વળગી રહો.

— સ્વામી વિવેકાનંદ

૨૦. જગતના ભિન્ન ભિન્ન ધર્મો પોતપોતાના ઉપાસના વિધિમાં ભલે જુદાં પડે, પરંતુ વાસ્તવમાં તો તેઓ બધા એક જ છે.

— સ્વામી વિવેકાનંદ

૨૧. ધ્યાન એ મહત્વની બાબત છે. ધ્યાનનો અભ્યાસ કરો! એ સર્વોત્તમ વસ્તુ છે. ધ્યાનમાં મગ્ન થયેલું ચિત્ત એટલે આધ્યાત્મિક જીવનનો નિકટતમ ઉપાય. આપણા જીવનની એ એક જ ક્ષણ એવી છે કે જ્યારે આપણે ભૌતિકતાથી તદ્દન અલગ થઇ જઇએ અને તમામ ઉપાધિઓથી મુક્તબનેલો આપણો આત્મા કેવળ સ્વરૂપમાં જ રમમાણ રહે છે. એવો અદભૂત છે આ આત્માનો સંસ્પર્શ.

— સ્વામી વિવેકાનંદ

૨૨. જેઓ પોતાની જાતનું ઇશ્વરને સમર્પણ કરે છે તેઓ કહેવાતા તમામ પ્રવૃત્તિશીલ લોકો કરતાં જગતનું વિશેષ ભલું કરે છે. કે વ્યક્તિ સંપૂર્ણપણે આત્મશુદ્ધિ સાધે છે તે ઉપદેશકોની ફોજ કરતાં વધુ કાર્ય સિદ્ધ કરે છે. ચિત્તશુદ્ધ અને મૌનમાંથી જ શક્તિસંપન્ન વાણીનો ઉદય થાય છે.

— સ્વામી વિવેકાનંદ

૨૩. આજે આપણને જરૂર છે એ જાણવાની કે ઇશ્વરની હસ્તી છે જ અને આપણે અહિં જ અને આ ક્ષણે જ તેનું દર્શન-તેની અનુભૂતિ કરી શકીએ.

— સ્વામી વિવેકાનંદ

૨૪. ‘ભોજન’, ‘ભોજન’, બોલવું અને ખરેખર ભોજન કરવું, ‘પાણી’, ‘પાણી’ બોલવું અને ખરેખર પાણી પીવું-એમાં જમીન-આસમાનનો ફેર છે. એ જ રીતે માત્ર ‘ભગવાન, ભગવાન’ રટવાથી તેનો સાક્ષાત્કાર પામવાની આશા આપણે રાખી શકીએ નહીં. એ માટે તો પ્રયત્ન અને અભ્યાસ કરવો જોઇએ.

— સ્વામી વિવેકાનંદ

૨૫. અનિષ્ટના સિતમોની વચ્ચે પણ બોલો -‘મારા પ્રભુ, મારા પ્રિયતમ!’ મૃત્યુની યાતના વચ્ચે પણ કહો – ‘મારા પ્રભુ, મારા પ્રિયતમ!’ ધરતી ઉપરની તમામ બૂરાઇઓ વચ્ચે પણ પુકારો, ‘મારા પ્રભુ, મારા પ્રિયતમ!’

૨૬. આપણે ઉત્સાહી અને આનંદી થવું જોઇએ. ઉદાસીન ચહેરાઓ કંઇ ધર્મનું નિર્માણ કરી શકે નહીં. ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઇએ, કારણ કે એ સર્વોત્તમ છે.

— સ્વામી વિવેકાનંદ

૨૭. વસ્તુમાત્રને ઇશ્વરનું સ્વરૂપ માનીને પૂજન કરો – પ્રત્યેક રૂપ તેનું મંદિર છે; બાકીનું બધું ભ્રાન્તિ છે. હમેશાં હ્રદયની અંદર દષ્ટિપાત કરો, બહાર નહીં. એવા જ ઇશ્વરનો, એવી જ પૂજાનો વેદાન્ત ઉપદેશ આપે છે.

— સ્વામી વિવેકાનંદ

ભારત


૧. આપણી માતૃભૂમિ પ્રત્યે જગતનું ઋણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હિન્દુનું – નરમ હિન્દુનું ઋણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઇ પ્રજાનું નથી.

— સ્વામી વિવેકાનંદ

૨. ભારતીય વિચાર, ભારતીય રીતરિવાજો, ભારતીય ફિલસૂફી અને ભારતીય સહિત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; પરંતુ જો તેઓ ખંત કેળવે, અભ્યાસ ચાલુ રાખે અને આ વિચારોની પાછળ રહેલા મહાન સિદ્ધાંતોનો પરિચય મેળવે તો નવાણું ટકા તો એમના જાદુઇ પ્રભાવ નીચે અવશ્ય આવી જાય અને મુગ્ધતાનો ભાવ અનુભવે.

— સ્વામી વિવેકાનંદ

  1. પણ, હું જેમ જેમ વયમાં મોટો થતો જાઉં છું, તેમ તેમ ભારતની આ પ્રાચીન સંસ્થાઓને વધુ સારી રીતે હું સમજતો થાઉં છું એવું મને લાગે છે. એવો પણ સમય હતો કે જ્યારે હું માનતો હતો કે આમાંથી ઘણી ખરી સંસ્થાઓ નિરુપયોગી અને વ્યર્થ છે, પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ એમાંથી કોઇને પણ ઉતારી પાડવાનો મારો ઉત્સાહ મંદ પડતો જાય છે. કારણકે આવી પ્રત્યેક સંસ્થા એ અનેક સૈકાઓના અનુભવોનું મૂર્ત સ્વરૂપ છે.

— સ્વામી વિવેકાનંદ

૪. મારી આ વાતમાં શ્રદ્ધા રાખો કે બીજા દેશો તો ધર્મની મોટી મોટી ચર્ચા કરે છે, પરંતુ જેણે ધર્મને પોતાના જીવનમાં ઉતાર્યો છે એવો વ્યવહારદક્ષ ધર્મપુરુષ તો કેવળ ભારતીય જ જોવા મળશે.

— સ્વામી વિવેકાનંદ

૫. મેં કહ્યું છે કે જગતને શીખવી શકીએ એવું કંઇક હજી પણ આપણી પાસે છે. સેંકડો વર્ષોના જુલ્મો અને હજારો વર્ષોથી પરદેશી શાસન અને સિતમો સહન કરીને પણ આ દેશ આજ સુધી ટકી રહ્યો છે તેનું એ જ કારણછે. આ રાષ્ટ્ર હજી જીવંત છે; એના અસ્તિત્વનું હાર્દ એ છે કે હજી પણ ઇશ્વરને, ધર્મ અને આધ્યામિકતાના અમૂલ્ય નિધિને વળગી રહ્યો છે.

— સ્વામી વિવેકાનંદ

૬. આ દેશમાં હજી પણ ધર્મ અને આધ્યાત્મિકતા એ એવા સ્ત્રોતો છે કે જેમણે પશ્ચિમનાં તેમ જ અન્ય રાષ્ટ્રોમાં નવજીવન અને નવશક્તિનો સંચાર કરવા માટે ઉભરાઇને પૂરની માફક આખા જગતમાં રેલાઇ જવું પડશે. રાજકીય મહત્વાકાંક્ષાઓ અને સામાજિક કાવાદાવાને કારણે આ રાષ્ટ્રો આજે લગભગ ઝૂકી ગયેલાં, અધમૂઆં અને પતિત બની ગયાં છે.

— સ્વામી વિવેકાનંદ

૭. પણ ખ્યાલ રાખજો કે જો તમે એ આધ્યાત્મિકતાને છોડી દેશો અને પશ્ચિમની જડવાદી સંસ્કૃતિનું અનુસરણ કરવા માટે એને બાજુએ હડસેલી મૂકશો તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર એક જાતિ તરીકે તમારી હસ્તી મટી જશે; કારણ કે એથી રાષ્ટ્રની કરોડરજ્જુ તૂટી જશે, જેના ઉપર રાષ્ટ્રની ઇમારતનું ચણતર થયું છે એ પાયો નબળો પડી જશે અને પરિણામે સર્વત્ર વિનાશ ફેલાઈ જશે.

— સ્વામી વિવેકાનંદ

૮. ભૌતિક શક્તિનાં કેન્દ્ર સમું યુરોપ જો પોતાની સ્થિતિમાં પરિવર્તન કરવાની, પોતાનો આદર્શ બદલવાની સાવધાની નહીં દાખવે અને આધ્યાત્મિકતાને પોતાના જીવનનો પાયો નહીં બનાવે તો પચાસ વર્ષોની અંદર તે ધૂળભેગું થઇ જશે; અને એમાથી એને તારશે ઉપનિષદોનો ધર્મ.

— સ્વામી વિવેકાનંદ

૯. આપણા ઉચ્ચ વર્ગના પૂર્વજો દેશના સામાન્ય લોકોને એટલી હદે પોતાના પગ તળે કચડતા ચાલ્યા કે આ સામાન્ય લોકો લાચાર બની ગયા; એ બિચારા દરિદ્ર લોકો યાતના ભોગવી ભોગવીને લગભગ ભૂલી ગયાકે અમે પણ માણસ છીએ. સૈકાઓ સુધી કેવળ લાકડાં કાપનારા કઠિયારા કે પાણી ખેંચનારા ભિસ્તિઓ તરીકે રહેવાની તેમના ઉપર ફરજ લાદવામાં આવી છે-અને તે એટલે સુધી કે તેઓ ઉપર માન્યતા ઠોકી બેસાડવામાં આવી છે કે અમે તો ગુલામો, કઠિયારા કે ભિસ્તિઓ રહેવા માટે જ સર્જાયા છીએ.

— સ્વામી વિવેકાનંદ

૧૦. ઉપનિષદનાં સત્યો તમારી સમક્ષ ખડાં છે. જો તેમને અપનાવશો, આચરણમાં ઉતારશો તો સમજી લેજો કે ભારતનો ઉદ્ધાર હાથવેંતમાં જ છે.

— સ્વામી વિવેકાનંદ

૧૧. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષિમુનિઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે. તેનું તમને લાગણી આવે છે ખરું? આજે લાખો લોકો ભૂખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભૂખમરો વેઠી રહ્યા છે તેનું કંઇ સંવેદન તમને થાય છે ખરું? કોઇ કાળાં વાદળની જેમ અજ્ઞાન આ દેશ ઉપર છાઇ રહ્યું છે તેનો કંઇ તમને વસવસો છે ખરો? શું એથી તમારી ઊંઘ હરામ થઇ ગઇ છે ખરી? શું એ હકીકત તમારા હ્રદયના ધબકારા સાથે તાલ મેળવીને અને તમારી નસોમાં ભ્રમણ કરીને, તમારા રક્તમાં પ્રવેશી ચૂકી છે? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો? શું પાયમાલીના દુઃખના એકમાત્ર ખાલે તમારો કબજો લઇ લીધો છે ખરો? શું આને માટે તમે તમારું નામ, તમારી કીર્તિ, તમારાં સ્ત્રીછોકરાં, તમારી સંપત્તી-અને તમારો દેહ સુદ્ધા-વીસરી બેઠા છો ખરા? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું? દેશભક્ત થવાનું એ પ્રથમ સોપાન છે-સૌથી પ્રથમ સોપાન.

— સ્વામી વિવેકાનંદ

૧૨. આવો, મનુષ્ય બનો. તમારી કૂપમંડૂક્તામાંથી બહાર આવો અને બહારની દુનિયાને નિહાળો, બીજા દેશો કેવી રીતે આગેકૂચ કરી રહ્યા છે તે જુઓ. શું તમે મનુષ્યને ચાહો છો? શું તમારામાં દેશપ્રેમ છે? તો પછી આવો આપણે વધુ ઉચ્ચ અને સારી વસ્તુઓ માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર નહીં કરો, ના, તમારાં પ્રિયજનો અને સ્વજનોને રડતાં જુઓ તો પણ નહીં. પાછળ નહીં, આગળ નજર કરો!

— સ્વામી વિવેકાનંદ

૧૩. ભારત પ્રતિ પૂર્ણ પ્રેમ અને દેશભક્તિ હોવા છતાં, આપણા પૂર્વજો પ્રતિ પૂર્ણ આદરભાવ હોવા છતાં હું એવું માન્યા વગર રહી શકતો નથી કે આપણે અન્ય દેશો પાસેથી પણ ઘણું શીખવાનું છે. ભારત બહારના જગત વગર આપણે ચલાવી શકીએ નહીં; આપણે એવું માની લીધું એ આપણી મૂર્ખાઇ હતી અને છેલ્લાં હજારેક વર્ષોની ગુલામી ભોગવીને આપણે એનો દંડ ચૂકવ્યો છે. બીજા દેશો સાથે આપણા દેશની વસ્તુસ્થિતિની તુલના કરવા માટે આપણે પરદેશગમન ન કર્યું અને આપણી આસપાસ સર્વત્ર શું ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન આપ્યું નહિ, એ ભારતીય વિચાર-શક્તિના આ પતનનું એક મુખ્ય કારણ છે. આપણે એનો દંડ ચૂકવ્યો છે; હવે આપણે એનું પુનરાવર્તન ન કરીએ.

— સ્વામી વિવેકાનંદ

૧૪. દક્ષિણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાંબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઇતિહાસમાં તમને વધુ ઊંડી દ્રષ્ટિ આપશે. ખંડેરમાંથી અવારનવાર ઉભા થતાં ફરીથી એ જ નવશક્તિ અને સામર્થ્ય ધારણ કરતાં આ મંદિરો ઉપર સેંકડો આક્રમણો અને સેંકડો પુનરોદ્ધારોના ચિહ્નો કેવાં અંકિત થયાં છે તે જુઓ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ.

— સ્વામી વિવેકાનંદ


Swami Vivekanand Modi