निर्गुणं निर्विकारं च ब्रह्म मायावृतं यदा । तदा महत्तत्त्वमभूद् सृष्टेः प्रथमकारणम् ॥
महतस्तु समुत्पन्ने शक्तिद्वयमनुत्तमम् । जडा चेतनरूपा च त्रिगुणात्मा ह्यहङ्कृतिः ॥
अज्ञानादेव संसृतिः ज्ञानाद्ब्रह्मणि स्थितिः । अध्यासनाशने नित्यं मोक्षमार्गः प्रकाशते ॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
નિર્ગુણ અને નિર્વિકાર બ્રહ્મને જ્યારે માયા આવરી લે છે, ત્યારે મહત્તત્વ ઉત્પન્ન થાય છે, જે સૃષ્ટિનું પ્રથમ કારણ છે. મહત્તત્વમાંથી બે ઉત્તમ શક્તિઓ પ્રગટે છે — જડ અને ચેતન. પ્રકૃતિજન્ય અહંકાર ત્રિગુણોથી યુક્ત બને છે. અજ્ઞાનથી સંસારની ઉત્પત્તિ થાય છે અને જ્ઞાનથી બ્રહ્મમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. અધ્યાસના નાશથી મોક્ષનો માર્ગ પ્રકાશિત થાય છે.
અધ્યાસ એ વેદાંતનો અત્યંત સૂક્ષ્મ અને ગૂઢ તત્ત્વ છે, જેમાં એક વસ્તુમાં બીજી વસ્તુની પ્રતીતિ થાય છે; જેમ અંધકારમાં દોરડામાં સર્પ દેખાય છે. આ ભ્રમનું મૂળ કારણ અવિદ્યા અથવા અજ્ઞાન છે. જીવ બ્રહ્મરૂપ હોવા છતાં પોતાને દેહ, મન અને અહંકારરૂપ માની લે છે — એ જ અધ્યાસ છે. આ અધ્યાસથી અવિદ્યા જન્મે છે, અવિદ્યાથી અહંકાર અને અહંકારથી સંસારચક્રની ઉત્પત્તિ થાય છે. તેથી વેદાંત અનુસાર સંસારનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે.

ભગવાન શિવકૃત “અધ્યાત્મરામાયણ”માં સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય સુંદર રીતે વર્ણવાયું છે. નિર્ગુણ, નિરાકાર અને નિર્વિકાર બ્રહ્મ સ્વયં અચળ અને પરમ શાંત છે. જ્યારે અવ્યાકૃત માયા — જેને પૂર્ણ રીતે વર્ણવી કે સમજાવી શકાય નહિ — બ્રહ્મને આવરી લેવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સૃષ્ટિપ્રક્રિયાનો આરંભ થાય છે. આ પ્રાથમિક સ્પંદનમાંથી “મહત્તત્વ” પ્રગટે છે, જે સમગ્ર સર્જનનો પ્રથમ કોસ્મિક બુદ્ધિરૂપ આધાર છે.
મહત્તત્વમાંથી દ્વિધા શક્તિઓનું પ્રાકટ્ય થાય છે — જડ શક્તિ અને ચેતન શક્તિ. જડશક્તિ ત્રિગુણમયી માયા સ્વરૂપે સત્વ, રજસ અને તમસના ગુણોથી યુક્ત છે, જ્યારે ચેતન શક્તિ જીવ અને ચૈતન્યનું મૂળ છે. કારણના ગુણો કાર્યમાં અવશ્ય ઉતરે છે; તેથી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલો અહંકાર પણ ત્રિગુણોથી સંયુક્ત બને છે. આ અહંકાર જ જીવને બ્રહ્મથી વિમુખ કરી સંસારના અનુભવમાં બાંધી રાખે છે. વેદાંતનો માર્ગ આ અધ્યાસ અને અજ્ઞાનને દૂર કરી પોતાના સ્વરૂપરૂપ બ્રહ્મનું સાક્ષાત્કાર કરાવવાનો છે.

