ઈશ્વર ને પ્રાપ્ત કરવા માત્ર બે જ વસ્તુ કરવાની છે.
1. જ્ઞાન (હું કોણ? હું આત્મા, એ જાણી લેવું).
2. ભક્તિ (એ આત્માને પરમાત્મા સાથે મેળવવો).
પરંતુ એ માર્ગ તબક્કાવાર કેવી રીતે ઘડાયેલ છે, એ માર્ગમાં ક્યાં ક્યાં બાધાઓ તથા છટકાઓ આવે છે એનું સાર સંકલન નીચે પ્રમાણે ચિત્ર સ્વરૂપે છે.
જેમ આત્મા એ ચર્મ ચક્ષુનો વિષય ન હોવાને લીધે દેખાતો નથી એમ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન, આ બુદ્ધિના વિષયો નથી. માટે એમાં તર્ક ન ચાલે.
તર્ક (લોજીક)નો આપણે (ઈશ્વરમાં ન માનવા માટે) દુરુપયોગ ના કરાય.
સૂક્ષ્મ બુદ્ધિ રૂપી તર્કથી જડ બુદ્ધિ રૂપી તર્કને કાપવા માટે સદુપયોગ જોઈએ.
એનાલિસિસ, વિશ્લેષણ, તર્ક વિતર્ક આ બધાથી ઈશ્વર, આત્મા કે પરમાત્મા પ્રાપ્તિ નથી થતી.
એ બુદ્ધિ ના વિષયો નથી. એ ઊંચા પરમપદ તરફની ઉડાન તો જ્ઞાન અને ભક્તિ રૂપી બંને પાંખોને ફફડાવવાનું અથાગ કર્મ કરવાથી ભરાશે. અને વિવેક નામનું યંત્ર સાથે રાખવું પડે જેથી તમે દિશા શૂન્ય ના બનો. અન્યથા આકાશ બધી બાજુ અનંત છે. ભટકી જવાની પુરે પુરી સંભાવના છે. વિવેક ગુમાવવો ન જોઈએ.
વિવેક રેખા-
વિષય દર્શી વ્યક્તિ સંસારને જુએ છે, તેના પદાર્થો તરફ તેની દ્રષ્ટિ બનેલી છે, જ્યારે તત્વ દર્શી મનુષ્યની દ્રષ્ટિ બ્રહ્મ તરફ રહેલ છે. બન્નેવના દ્રષ્ટિકોણ, આચાર અને વિચારમાં તફાવત છે જેનું મુખ્ય કારણ બુદ્ધિ છે. સાત્વિક ગુણોથી બનેલી વિવેકની રેખા, “જડ” (સાંસારિક) બુદ્ધિને અલગ પાડે છે અને શેષ રહે છે; “સૂક્ષ્મ” બુદ્ધિ જેનાથી કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે.
સાત્વિકતા-
સાત્વિક ગુણો જેવા કે સંયમ, નિયમ, બ્રહ્મચર્ય, ધૈર્ય, અહિંસા, સદાચાર, શ્રધ્ધા, સંતોષ, સ્વદોષ વિચાર વગેરે વિવેકને બનાવનાર મૂળભૂત તત્વો છે.
દેવતાઓ અને સાત્વિકતા-
શાસ્ત્ર કથિત, આરંભકાળમાં જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઇ ત્યારે પ્રકૃતિના આ સાત્વિક ગુણોમાથી જ દેવતાઓ પણ ઉત્પન્ન થયા હતા. જેમાંથી અમુક આપણી ઇન્દ્રિયો, મન વગેરેના અધિષ્ઠાતા છે. અર્થાત આપણા શરીરમાં પણ દેવતાઓનો વાસ છે. એમના પ્રત્યે ભાવના કરવાથી એ ગુણો જાગૃત થાય છે અને દેવતાઓ કાર્યસિદ્ધિ અપાવે છે.
સદાચાર –
સારી પેઠે જાગૃત થયેલો વિવેક જ તમને કલ્યાણ અપાવે છે. વિવેક અને એમાં ખાસ “સદાચાર” ગુણના દેવતા છે “ગણપતિ”, જેમને પ્રસન્ન રાખવાથી વિવેકની જ્વાળા પ્રદીપ્ત રહે છે.
ગુરુકૃપા-
સંયમ, નિયમ અને બ્રહ્મચર્ય પાળવાથી – “માં પ્રકૃતિ” જીવ ઉપર ગુરુકૃપા કરે છે જેથી (સંસારની અસારતાનું) જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન 3 તબક્કામાં થી પસાર થવાથી મળે છે.
1. “ગોળ ગળ્યો હોય” એવું કહેનાર કોઈ જોઈએ – એમ શાસ્ત્રો બ્રહ્મનું વર્ણન કરે છે.
2. પછી, “આને જ ગોળ કહેવાય” એવું કહેનાર કોઈ જોઈએ – વ્યક્તિગત ગુરુ / પરિસ્થિતિ એ સમજણ આપે છે.
3. અને છેલ્લે, ગોળ ચાખવાથી એનો સ્વાદ અનુભવાય – આમ સ્વાનુભવથી સાક્ષાત્કારો થાય છે. ગુરુકૃપામાં થી ચલિત થવાથી સ્વાર્થીપણાનો ભોગ બનાય છે, માટે ભાવના શુદ્ધ રાખવી જે સદાચારથી આવે છે.
જ્ઞાન-
જ્ઞાનના દેવતા “શિવ” છે. માં પ્રકૃતિ ની કૃપા થી મેળવેલ સંસારની અસારતાનું જ્ઞાન “પ્રેમ” વગર શુષ્ક છે. અને તે જ્ઞાનમાંથી ચલિત થવાથી “નાસ્તિકતા” આવે છે જે “અંધકાર” તરફ લઇ જાય છે. પ્રેમના દેવતા છે ભગવાન “વિષ્ણુ”. એમને પ્રસન્ન રાખવાથી એમના આશીર્વાદથી જ્ઞાન રસમય બને છે. પ્રેમ ભાવ અને “શુદ્ધ ભાવના”થી “શ્રધ્ધા” બેસે છે જે આપણને જ્ઞાનમાંથી ચલિત થવા થી રોકે છે.
વૈરાગ્ય-
સંસારની અસારતાનું જ્ઞાન થવાથી સંસાર પ્રત્યે “વૈરાગ્ય” આવે છે. વૈરાગ્ય વખતે જો ઈશ્વરમાં વિશ્વાસ ન રાખ્યો તો ચલિત થઇ “નિરાશા” સાંપડે છે. વિશ્વાસ માટે “સમર્પણ” આવશ્યક છે. શ્રધ્ધા નહિ હોય તો સમર્પણ નહિ આવે. સમર્પણ નહિ તો વિશ્વાસ નહિ. વિશ્વાસ નહિ તો વૈરાગી મન નિરાશા તરફ ઢળી પડશે. વૈરાગ્ય એ “ત્યાગ” અને “ક્ષમા” ની માતા છે જે આગળ જતા “તૃપ્તિ” આપે છે. તૃપ્ત મન “સંતોષ” પ્રસ્થાપિત કરે છે.
ભક્તિ-
વૈરાગી મન સંસાર ત્યજે છે ત્યારે જ ઈશ્વર પકડે છે, અને ત્યારે જ ભક્તિના માર્ગે વળે છે. આમ તો નવધા (નવ પ્રકારે) ભક્તિ થાય પણ “સ્મરણ, ધ્યાન અને અર્ચન” એ ભક્તિને દ્રઢ કરે છે. “દાસ્ય” ભાવ થી ઈશ્વરની “સેવા” કરવાથી ઈશ્વરની વિશેષ કૃપા મળે છે. આમ તો ઈશ્વર ની દ્રષ્ટિ એક સમાન છે જેમ સૂર્ય, પણ એનો વિશેષ લાભ લેવો હોય તો ઘરની બહાર નીકળી તડકામાં જવું પડે છે. વિશેષ કૃપા ઉતરવાથી મનુષ્ય સિધ્ધિઓ મેળવે છે અને ભક્તિના આ માર્ગમાં જો “સંતોષ” નામનો ગુણ પોતાના વિવેકમાં ન આણ્યો તો તમને “લાલચ” ચલિત કરી શકે છે.
ઈશ્વર દર્શન-
ઈશ્વરની વિશેષ કૃપા જ “દિવ્ય દ્રષ્ટિ” અપાવે છે જેનાથી તમે “દ્રષ્ટા” બનો છો. દ્રષ્ટા બનવાથી “ઈશ્વરના દર્શન” થાય. પણ ઈશ્વર દર્શનમાં એક બહુ મોટી બાધા “પર દોષ વિચાર”ની છે. એવે વખતે “સ્વદોષ” ની પ્રતિભાવના કેળવવાથી પરદોષ કરવામાંથી બચી જવાય છે. કારણ નહીતો, પરદોષ વિચાર થી વાણી દૂષિત થાય, વીર્ય દૂષિત થાય અને પાપ લાગે.
યોગ-
ઈશ્વરના દર્શન તો (વરદાન મેળવવાની ઈચ્છાથી દુર્લભ તપ કરતા) રાક્ષસોને પણ થયા છે. પરંતુ ઈશ્વર સાથે ઐક્ય માત્ર “યોગ” જ અપાવે છે. અથવા તો એ ઐક્ય ને જ “યોગ” કહેવાય. મંત્રયોગ થી માંડી, હઠયોગ, લયયોગ અને રાજયોગ સુધી યોગી પુરુષ યોગાભ્યાસમાં રક્ત હોય છે. “योगे रोग भयम्” સાચી કહેવત છે. “એકાગ્રતા” તમને યોગમાં થી ચલિત થતા અટકાવે છે.
સમાધી-
આમ તો યોગ અને સમાધી અલગ અલગ નથી. અષ્ટાંગ યોગ નું આઠમું પગથીયું એ સમાધી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને છેલ્લે સમાધી. સમાધી બે તબક્કા વાળી હોય છે. સવિકલ્પ અને નિર્વિકલ્પ. સવિકલ્પ સમાધિમાં જ્ઞેય (બ્રહ્મ) અને જ્ઞાતા (સમાધિસ્થ જીવનું ચિત્ત) બે ભિન્ન છે. પણ નિર્વિકલ્પ સમાધિમાં ચિત્ત પણ બ્રહ્મમાં લીન થઇ જ્ઞાન પણ રહેતું નથી અને શેષ માત્ર બ્રહ્મ રહે છે. સમાધિમાં આળસ ન ચાલે, નહીતો વિઘ્નો તેને ચલિત કરી શકે છે.
અવસ્થાઓ-
જેમ યોગ અને સમાધી અભિન્ન છે એમ અવસ્થાઓ પણ એનો જ અભિન્ન અંગ છે.
સ્ત્વાપત્તી, સુષુપ્તિ અને અંતે તુરિયા અવસ્થા આ ત્રણ બ્રહ્મ સાથે ઐક્ય થવા પહેલાની અવસ્થાઓ છે. આમ તો જાગ્રત ની પણ 3, સ્વપ્નની 3 અને સુષુપ્તિની 3 અવસ્થાઓ તબક્કા વાર હોય છે. તુરીયાતીત એ માયાની પેલે પાર બ્રહ્મ સાથે એક થઇ જવાની અવસ્થા છે. જેમ ટીપું સમુદ્રમાં ભળી જાય.
ઈશ્વર પાસે “વિવેક” માંગીએ જે છેક સુધી કામ લાગે છે. હર હાલ હર કાલમાં વિવેક અત્યાવશ્યક છે. જીવનના કોઈ પણ તબક્કામાં આ વિવેક જ આપણને ઈશ્વરના માર્ગમાંથી ચલિત થતા અટકાવે છે.