स्वस्तिकं च प्रणवं चैव देवताराधनं शुभम्। चिह्नैः प्रतीकभावेन ब्रह्मैक्यं प्रतिपाद्यते॥
[अलबेला शतक (अलबेला पंडित विरचित)]
સ્વસ્તિક, પ્રણવ (ॐ) અને દેવતારાધનના શુભ ચિહ્નો દ્વારા પ્રતીકરૂપે બ્રહ્મના એકત્વનું જ્ઞાન વ્યક્ત થાય છે.
હિંદુ પરંપરામાં ચિહ્નો અને પ્રતીકો માત્ર દ્રશ્ય આલેખન નથી, પરંતુ ઊંડા આધ્યાત્મિક, તત્ત્વજ્ઞાનિક અને બ્રહ્માંડ સંબંધિત અર્થ ધરાવતા સંકેતરૂપ સ્વરૂપો છે. “ગોત્રજ” જેવા ચિહ્નો પરંપરાગત રીતે માતૃશક્તિ અને ગૃહ-રક્ષાનું પ્રતીકાત્મક સ્થાપન દર્શાવે છે, જેમાં શુભ પ્રસંગો દરમિયાન દેવી તત્ત્વનું આહ્વાન કરવામાં આવે છે. “સ્વસ્તિક” ભારતીય સંસ્કૃતિમાં સૌથી પ્રાચીન અને પવિત્ર પ્રતીકોમાંનું એક છે, જે શુભતા, કલ્યાણ અને બ્રહ્માંડના સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. તેને સૃષ્ટિ-ચક્ર, દિશાઓ અને સમયચક્ર સાથે જોડીને જીવનમાં સુખ-શાંતિ અને શુભ ઊર્જાના પ્રવાહનું પ્રતીક માનવામાં આવે છે. પરંપરાગત યજ્ઞ અને મંત્રોમાં પણ સ્વસ્તિક તત્ત્વને કલ્યાણકારી શક્તિઓના સ્મરણરૂપ રૂપે સ્થાન આપવામાં આવ્યું છે. “ॐ (ઓમ)”ને બ્રહ્મનો મૂળ નાદ અને સૃષ્ટિના આરંભનું પ્રતીક માનવામાં આવે છે, જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ—ત્રણ અવસ્થાઓથી પર તુરીય બ્રહ્મનું સંકેતરૂપ છે. આ રીતે તે સમગ્ર અસ્તિત્વના એકત્વ અને અનંતતાનું પ્રતીક બને છે. આ તમામ પ્રતીકો મળીને માનવ મનને અધ્યાત્મ તરફ દોરી જાય છે અને દૈનિક જીવનમાં શુભ, શાંતિ અને તત્ત્વજ્ઞાનિક ચેતના સ્થાપિત કરે છે.
ગોત્રજ [Gotraj]

સ્વસ્તિક [Swastika]

સ્વસ્તિક એ બ્રહ્માંડનું પ્રતિક છે.
સૃષ્ટિના પ્રલય દરમ્યાન પરમાત્મા સર્વ જીવોને પોતાની અંદર સુરક્ષિત રાખી ને સૃષ્ટિનું નવનિર્માણ કરી તે જીવોને સંસારમાં ફરી છોડે છે. જેમ મૃત્યુ અને જન્મની વચ્ચે આત્મ-કલ્યાણ સંભવ નથી, અને શરીર ધારણ કરવું જ પડે છે, એવી રીતે ફસાઈ પડેલા જીવોના કલ્યાણ હેતુ બ્રહ્માંડની રચના થાય છે. પછી બ્રહ્મમાં સ્થિત સર્વ (સંસાર પ્રત્યે આસક્ત એવા) જીવો, સૃષ્ટિ મળ્યાથી શરીર ધારણ કરીને મોક્ષ પ્રત્યે ગતિ કરવા સમર્થ થાય છે.
સૃષ્ટિના આરંભકાળમાં નિરાકાર બ્રહ્મમાંથી ॐ શબ્દ ની તન્માત્રા ઉદ્ભવી જેમાંથી આકાશ બન્યું, તેમાં સ્ફોટ થઇ શાસ્ત્રો-પુરાણ કથિત (વિરાટ પુરષ, હિરણ્યગર્ભ સુત્રાત્મા, દેવતાઓ ઈત્યાદી એમ) અન્ય ઉત્પત્તિ થઇ. 33 કરોડ દેવતાઓ ના પૂર્વે આ આઠ કલ્યાણકારી તારાઓ (આદી દેવતાઓ) નિર્મિત થયા:
1. ઇન્દ્ર (સૂર્ય સમાન તેજવાળા અતિબળવાન દેવ)
2. વૃધ્ધશ્રવા (પ્રવૃદ્ધ કીર્તિવાળા દેવ)
3. પૂષા (પોષણ આપનાર દેવ)
4. વિશ્વ (સંપૂર્ણથી યુક્ત દેવ)
5. વેદ (જ્ઞાન સંપત્તિ વાળા દેવ)
6. તાર્ક્ષ્ય (અંધકાર રૂપી સર્પોને નષ્ટ કરનાર ભગવાન વિષ્ણુના વાહન ગરુડ દેવ)
7. અરીષ્ટનેમી (અહિંસિત ચક્રધારા વાળા દેવ)
8. બૃહસ્પતી (બુદ્ધિના અધિષ્ઠાતા દેવતા)
કોઈ પણ શુભ કર્મની શરૂઆતમાં યજુર્વેદીય “ભદ્રમ સૂક્ત” ગવાય છે જેમાં આ આઠેય કલ્યાણકારી તત્વોને યાદ કરવામાં આવે છે.
ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्व-वेदा:|
स्वस्ति नस्तार्क्ष्योअरिष्ट-नेमि: स्वस्ति नो बृहस्पतिर्दधातु ||
જેમ પ્રાચીન ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં તારાઓને જોડી ભિન્ન ભિન્ન આકૃતિઓ બનેછે એમ આ આઠેય “સુ” (કલ્યાણકારી) તારાઓને જોડી એક આકૃતિ બની જેનું નામ અપાયું “સુ + અસ્તિ (થાવ) + ક (ને લગતું) એટલેકે “સ્વસ્તિક”. તારાઓને એવીરીતે જોડ્યા કે ચારેય દિશામાં (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ એવા કાળચક્રના) ચાર ખાના બન્યા. આમ સ્વસ્તિક એક કલ્યાણકારી પ્રતિક બની રહ્યું જેને આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન અપાયું છે. ઉ.દા. દિવાળીના દિવસોમાં નવવર્ષ નિમિત્તે ગૃહિણીઓ ઘરના ઉંબરે કંકુથી સાથીયા (સ્વસ્તિક) પૂરે છે.

કલ્યાણની પ્રાપ્તિ અર્થે સ્વસ્તિકનું નિર્માણ કરાય છે. ઈશ્વરની પ્રકૃતિ અનાદી કાળથી (ભટકતા જીવોના) કલ્યાણાર્થે સાથીયાજ પુરતી આવી છે.

ॐ ઓઉમ [Aum]

આપણા મોટા ભાગના શ્લોકોચ્ચાર પહેલા ઓમ નો ઉચ્ચાર પ્રથમ છે. સૌ પહેલા બ્રહ્મને યાદ કરવામાં આવે છે.

