અગ્નિ સંસ્કાર પર્યન્ત અને પશ્ચાત

[अलबेला शतक (अलबेला पंडित विरचित)]

અંત્યેષ્ટિ અને ઉત્તરક્રિયાનો ધર્મ જીવાત્માને પિતૃગતિ તરફ પ્રબોધિત કરનાર છે. ગીતા, સ્મૃતિ અને ભગવાનના ઉપદેશો શોક અને મોહનો નાશ કરે છે. સૂતકાચાર, અગ્નિસંસ્કાર, પિંડદાન વગેરે વિધિઓથી યુક્ત આ સંસ્કાર જીવને મૃત્યુ પાર સદગતિ તરફ લઈ જાય છે.


ભારતીય સંસ્કૃતિમાં અંત્યેષ્ટિ અને ઉત્તરક્રિયા માત્ર સામાજિક વિધિ નથી, પરંતુ જીવાત્માની સદગતિ, પિતૃધર્મ અને સંસ્કારમય જીવનદ્રષ્ટિ સાથે જોડાયેલ અત્યંત સંવેદનશીલ અને આધ્યાત્મિક વિષય છે. સંયુક્ત કુટુંબોની પરંપરા ક્ષીણ થતાં આજના એકાકી અને વ્યસ્ત જીવનમાં ઘણા લોકોને મૃત્યુ પછીની વિધિઓ, શાસ્ત્રીય નિયમો, કાનૂની પ્રક્રિયાઓ તથા ધાર્મિક કર્તવ્યો અંગે અજ્ઞાન રહે છે. મૃત્યુના અચાનક આઘાતમાં મનુષ્યની મન:સ્થિતિ અસ્થિર બની જાય છે, તેથી યોગ્ય માર્ગદર્શનનું વિશેષ મહત્વ છે. શરીર છોડ્યા પછી ડોક્ટરની ખાતરી, ડેથ સર્ટિફિકેટ, સૂતકના નિયમો, પાર્થિવ દેહની શાસ્ત્રીય તૈયારી, અગ્નિસંસ્કાર, પિંડદાન, પંચક શાંતિ, અસ્થિ વિસર્જન, દશાહ, એકાદશાહ, દ્વાદશાહ, ત્રયોદશી, શ્રાદ્ધ, દાન, માસિક અને વાર્ષિક પિતૃકર્મ વગેરે વિધિઓ દ્વારા જીવાત્માને પ્રેતાવસ્થામાંથી પિતૃગતિ તરફ વિદાય આપવામાં આવે છે. ગીતા, ઉપનિષદ, વિષ્ણુસહસ્ત્રનામ અને ભગવાનના નામસ્મરણ દ્વારા શોકગ્રસ્ત પરિવારમાં વૈરાગ્ય, ધૈર્ય અને આધ્યાત્મિક ચેતના જાગૃત થાય છે. મૃત્યુને અંત નહીં પરંતુ પરલોકયાત્રાનો એક સંક્રમણ માની ભારતીય સંસ્કૃતિ જીવિતોને કરુણા, સહાય, સંયમ અને કર્તવ્યબોધ શીખવે છે, જેથી “મૃત્યુ સુધરે તો જીવ સદગતિએ જાય” એ ભાવના સાકાર બને.


સંયુક્ત કુટુંબની તો વાત જ અલગ છે. પરંતુ આજના સમયના વ્યસ્ત, એકાકી, વિભક્ત કુટુંબવાળા ઘણાને  (મરણ પછીની વિધિ વિશે)કશી જ ખબર નથી હોતી કે આપ્તજનનું મૃત્યુ થાય એવે વખતે શું કરવું. એક તો આ સમય માટે કોઈ તૈયાર નથી હોતું અને આવે સમયે કોઈની મન:સ્થિતિ ઠેકાણે નથી હોતી માટે જ, લોક હિતાર્થે, કાઠું હૃદય કરીને મેં મારા આપ્તજનોના મૃત્યુ સમયે નોંધેલી બારીકીઓ પ્રકાશિત કરું છું જેથી યથોચ્ચિત અંત્યકર્મ થાય અને લોકોનું મૃત્યુ સુધરી જાય.

ડોકટોરે આપેલ ડેથ લેટરની કોપી સ્મશાનમાં આપી, સ્મશાનની પાવતી લઇ લો (મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “ડેથ સર્ટિફિકેટ” બનાવવા કામ લાગશે).

ઘેર પહોંચો ત્યારે તરત અંદર ન પ્રવેશો
ઘરની બહાર પાણીની બાલદી ભરેલી રખાવો
લોકો હાથ અને પગ  ધોવે, પાણીનો કોગળો કરે, માથા ઉપર પાણી છાંટે
કપડા બધા જ પલાળો
માથું ધોઈને નહાવ અને મનમાં 5 વાર “ૐ હરયે નમ:” બોલીને મૃતકની સદગતિ માટે પ્રાર્થના કરવી
બ્રાહ્મણ સ્મશાનેથી આવ્યા પછી જનોઈ બદલે
અગ્નિ સંસ્કાર કરનાર ફરી મુંડન કરે

ઘડો લાડવો
અગ્નિ સંસ્કારને દિવસે આટલું અવશ્ય કરો. જો ન થયું તો 11મે દિવસે અચૂક કરવું.
માટલીમાં ઘઉંના લોટનો (બાજરીનો નહિ) કુલેરનો લાડુ + થોડું જળ + દક્ષિણા રાખી કોઈ ને કહો કે મહાદેવને મંદિરે મૂકીને આવે.

મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડમાં ઓછા માં ઓછી 10 કોપી ડેથ સર્ટિફિકેટ કોપી વર્ણવવાની અરજી મૂકી દો.


આગળની યોજના બનાવો 

  • મરણ દિવસ / તિથિ કઈ ગણવી?
    • જે સમયે છેલ્લા શ્વાસ લીધા અને છોડયા એ દિવસ મરણ દિવસ ગણવો. તિથિ એ વખતની લેવી.
  • બેસણું / શોક સભા / પ્રાર્થના સભા / સાદડી કયે દિવસે રાખવું?
    • બેસણું મરણ દિનથી ત્રીજે દીવસે હોય. બુધવારે ન રખાય. માટે કાંતો ચોથે.અથવા બહુ બહુ પાંચમે દિવસે રાખી શકાય. સામાન્ય રીતે લોકાનુકુળ સમય સાંજે 5 થી 7 હોય છે.
  • અશુભ સમાચાર કયા કયા સમાચાર પત્રમાં આપવા છે?
    • આ ત્રણ છાપામાં મફત છે. વધુ માં વધુ 50 શબ્દો આપવા. એડ્વર્ટાઇઝ તરીકે નહિ આપવું નહીતો પૈસા લાગશે. ડેથ સર્ટિફિકેટ સાથે લઇ જવું પડશે નહિ તો નહિ ચાલે.
      1. મુંબઈ સમાચાર
      2. ગુજરાત સમાચાર
      3. જન્મભૂમિ
      કમ્યુટ્રી માં આપી શકાય, મોબાઈલ એપ છે. ફોન આવશે, માહિતી આપી દેવી, મફતમાં મેસેજ મુકાઈ જશે.  એક વાર ફાઇનલ ફર્મો તૈયાર થાય તો વોટ્સએપ પણ કરી શકો.
  • કાળોતરીમાં શું લખવું? કોને કોને જણાવવું?
    • આમાં વડીલોને બદલે જે સજ્જન અને વ્યવહારિક કુશળ વ્યક્તિની સલાહ લો.
  • બેસણામાં મૃતકનો કયો ફોટો મુકશો?
    • કરાવા આપી દો. સ્મિત વાળો ફોટો સારો
  • ગીતા વાંચન કરાવવું છે કે ગરુડ પુરાણ વાંચન?
    બીજા જ દિવસથી શરુ કરી 9 દિવસની અંદર થઇ જવો જોઈએ અને સમાપન 13મેં દિવસે થાય. બની શકે તો ગરુડ પુરાણ રાખવું કારણકે- 1. બીજી કોઈ વેળાએ એ વંચાતું નથી. 2. એ દ્વારા લોકોને ઉત્તર ક્રિયાનું થોડું જ્ઞાન મળે 3. નરકની કહેલી યાતનાઓ જાણી લોકોને થોડો વૈરાગ મળે. સામગ્રીમાં – કોરું કંકુ, કોરા ચોખા, ફળ (કેરી / સફરજન), ઘી નો દીવો, પાટલો / બાજોટ, આસન, માચીસ, મૃતકનો ફોટો, સુખડનો હાર, છૂટટા ફૂલ
  • 10, 11, 12, 13 ની વિધિ કરનાર ભૂદેવ બુક કરી દો
  • 10 મેં દિવસે સુંવાળુંહોય.
    • ક્ષૌર ક્રિયા થાય જેમાં પંચકેશ ત્યાગ કરવો
      1. મુંડન (શિખા રાખવી)
      2. દાઢી કેશ
      3. મૂંછ કેશ
      4. બગલ કેશ
      5. ગુપ્તાંગ કેશ

      મુંડન કરવાથી ઋણ મુક્ત થવાય. એ વગર કોઈ વિધિ કરો તો કોઈ અર્થ નથી માટે મુંડન અવશ્ય કરવું.

  • 10મુ અને 11મુ કયે દિવસે અને ક્યાં કરવું છે? સાથે કરવું છે કે અલગ અલગ?
    10 મેં દિવસે 11 મુ ન થાય. અગ્નિ સંસ્કાર કરનાર ફરી મુંડન કરે. 

    જો અગ્નિસંસ્કાર વખતે 6 પિંડ દાન રહી ગયા હોય તો 10માંની વિધિમાં દશગાત્ર પિંડદાન વિધિ ના પહેલા ષટપિંડ દાન અનુકર્ષણ વિધિ કરી લેવી. 4 વસ્તુ એવી છે જે માત્ર દશાહ શ્રાદ્ધ મા જ વપરાય છે. માટે મંગાવી રાખો 

    1 ) રાળનો ધૂપ
    2 ) વીરણનો વાળો
    3 ) ભૃન્ગરાજ પુષ્પ
    4 ) ઉર્ણા વસ્ત્રદશાહ

  • 11 મેં દિવસે 10 અને 11 સાથે કરી શકાય . 
    અગ્નિ સંસ્કાર કરનાર ફરી જનોઈ બદલે. અગ્નિદાહને દિવસે ઘડો લાડવો મહાદેવે મુકવાનું રહી ગયું હોય તો 11મે દિવસે અચૂક મુકાવી દેવો.
  • 12મુ અને 13મુ કયે દિવસે અને ક્યાં કરવું છે? સાથે કરવું છે કે અલગ અલગ?
    • 12 મેં દિવસે 12 અને 13 સાથે કરી શકાય. (પિંડ વ્હેરાય અને સૂતક જાય) 
  • શ્રાદ્ધિનું ભોજન કોણ કોણ કરશે? (પાંચ ઘરના બ્રાહ્મણ જમે) પ્રેત માટે કોણ બેસશે? 12 અને 13 ભેગું હોય તો 12માં નું સવારનું અને 13માંનું રસોઈયો બુક કરી દો. સાંજનું જમણ નક્કી કરો. પ્રેત બ્રાહ્મણ શ્રાદ્ઘીનું ભોજન નવા થાળી વાટકામાં જમી  લે પછી તે ધોઈને તેમને આપી દેવો.
  • 13 મેં દિવસે 12 અને 13 સાથે “” કરી શકાય. 
    • 13મે દિવસે બહેન ભાણિયાઓને શીખ (કવરમાં રૂપિયા) આપવાની હોય. 
    • શૈય્યા દાન પણ 13 મે ને દિવસે હોય.
  • 14 મે દિવસે અગ્નિસંસ્કાર કરનાર ફરી જનોઈ બદલે, અન્ય લોકો આ દિવસે જનોઈ બદલે
દાન શું, કોને અને કેટલું?
    • ગીતા / ગરુડ પુરાણ વાંચનનું દાન (સીધા સાથે પદ + 1 જોડી કપડા ધોતી, ખેસ વગેરે + દક્ષિણા)
    • પંથી દાન (છત્રી + ટોર્ચ + પગરખા + ટોપી + ઝોળી + લાકડી + ટિફિન ડબ્બો + દક્ષિણા) કોઈ બ્રાહ્મણ ને મળે.
    • પદ દાન (પદ = થાળી + વાટકી + લોટો + સીધું + રકમ) દીકરીઓ (મૃતકની તથા મૃતકના ભાઈઓની દીકરીઓ), બહેનો, બહેનોની દીકરીઓ (ભાણીઓ) ને મળે.
    • ગૌદાન (દેઘડું / ઘડો + સાડલો + ચાંદીની નાની ગાય / રકમ + દક્ષિણા) દીકરીને મળે
    • શૈયા દાન (ખાટલો + સાડી + ઓશીકું + રજાઈ + પદ + સ્ત્રી / પુરુષ જોડ કપડા + સૌભાગ્ય શણગાર
      અથવા તો આ બધાને બદલે એક રકમ) માત્ર પરણેલ અથવા સૌભાગ્યવતી હોય તે જ દીકરીને મળે (બે કે વધુ દીકરીઓ હોય તો અડધું અડધું વહેંચવું નહિ). એવું હોય તો 1 દીકરીને ગોદાન અને બીજીને શૈયા દાન આપો. શૈય્યા દાન પંચકને દિવસે ન થાય.
  • માસિયુ (બારે માસનું ચટ શ્રાદ્ધ અને પિંડ દાન એક સાથે) ક્યારે કરવું છે?
  • વરસી ક્યારે વાળવી?
    • ઘરમાં બીજો કોઈ શુભ પ્રસંગ લેવો હોય તો વરશી જલ્દી વાળી શકાય.
  • શોકના વસ્ત્રો / સાલ્લો ક્યારે અને કેવી રીતે બદલવો? 
    • વરસી વાળ્યા બાદ શોકના કપડા બદલી શકાય.
    • સોમવાર, ગુરુવાર અને શુક્રવાર રાખવા. ચૌદસ અને અમાસે ન બદલાય.
    • સારા ચોઘડિયામાં જ થઇ જવું જોઈએ
    • માથું પલાળી સ્નાન કરો
    • સૌભાગ્યવતી પોતાને કપાળે કંકુ ચાંલ્લો કરે
    • ભગવાન આગળ ઘી નો દીવો પ્રગટાવો
    • ગોળ, સાકર કે કંસાર ખાઈ મ્હોં મીઠું કરો
    • લાલ, લીલો કે બહુ ભડક રંગથી શરૂઆત ન કરો કોઈ આછા રંગનો સાડલો / ડ્રેસ પહેરો
  • દર મહિને તિથિને દિવસે 12 મહિના સુધી પિતૃઓ પાછળ કરવાના કાર્યો 
    • રોજ ભગવન નામની 1 માળા કરવી
    • ગીતા પારાયણ કરવા
    • એકાદશી ઇત્યાદિ ઉપવાસ, એકટાણું વગેરે કરવા
    • રોજ દીવો કરવો
    • ભાદરવા શ્રાદ્ધપક્ષમાં કાગવાસ નાખવો 
    • અન્ન દાન – મંદિરમાં કોઈ બ્રાહ્મણને સીધાનું (ચોખા+ દાળ+ ગોળ + ઘી + મસાલા + તુલસી પાન + રૂપિયા 11/- ) દાન આપવું એમ સમજીને કે 12 મહિના સુધી દર મહિને બ્રાહ્મણને જમાડો. 
    • બ્રહ્મ ભોજન  – દર મહિને તિથિને દિવસે કોઈ 1 બ્રાહ્મણને બોલાવી જમાડીને દક્ષિણા આપવી.
    • કુમ્ભ દાન – માટીનો પાણી ભરેલો એક ઘડો જેના ઉપર પરણાયું (ઢાંકણું) જેમાં દક્ષિણા રૂપિયા 11/- અને તુલસી પત્ર આટલું મહાદેવને મંદિરે મૂકી દેવું.
    • દિપ દાન – દિવાળીને દિવસે (આખા વર્ષની એમ કરીને) 365 દીવેટો કરી એક સાથે શંકરને મંદિરે અથવા દરિયા કિનારે જઈ પ્રગટાવિને મુકવા. સાથે બ્રાહ્મણને લઇ જવો. એક ચાંદીની દીવીમાં પણ દીવો કરવો જે બ્રાહ્મણને દાન કરી દેવો.
  • સંવત્સર શ્રાદ્ધ (ચટ શ્રાધ્દ્ધ) ક્યારે કરવો છે? 
    • જીવ ગત થઇ ગયા પછીની વાર્ષિક તિથિને સાંવત્સરિક શ્રાદ્ધ કહેવાય.
    • ઉત્તર ક્રિયાઓ કરવા માટે આ ત્રણ મહિનાઓ ઉત્તમ હોય છે.
      1. ભાદરવો 
      2. ચૈત્ર 
      3. કારતક
  • મહાલય શ્રાધ ક્યારે કરવો છે?
    • સાંવત્સરિક શ્રાદ્ધના પછીના ભાદ્રપદમાં આવનાર તિથિ માં મહાલય શ્રાદ્ધ થાય.
  • તીર્થ શ્રાધ કઈ જગ્યાએ અને ક્યારે કરવો છે?
    • ઘરપરિવારમાં કોઈ ગુજરી ગયું હોય એના ચાલુ વર્ષનો 1 ભાદરવો પછીના બીજા ભાદરવા પછી જ (લગભગ દોઢ વર્ષ પછી) તીર્થ શ્રાદ્ધ થાય. એના પહેલા નહિ, અન્યથા પ્રયત્ન કરવા જશો કિંતુ યોગ નહિ જાગે. પરંતુ તે પહેલા 1 વાર મહાલય શ્રાદ્ધ અવશ્ય કરી દેવું. તે પછી ગમે ત્યારે વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, 10 વર્ષે તીર્થશ્રાદ્ધ થાય.
    • તીર્થશ્રાદ્ધમાં યથાશક્તિ 5-10 બ્રાહ્મણ તીર્થ શ્રાદ્ધ સ્થાનમાં જમાડવા
    • કુલ મળીને પાંચ સ્થળ છે. 1 અથવા વધુ સ્થળ કરી શકાય. ત્યાંના ગોર મહારાજની દાદાગિરી હોવાથી કોઈ એક મહારાજને માત્ર નામના બુક કરવા, પરંતુ તેઓ આ કર્મકાંડમાં બિલકુલ અધૂરા અને કાચા હોવાને લીધે આપણા પોતાના મહારાજ લઇ જવા આપણું કર્મ કરવા માટે. 

      1. અલાહાબાદ – પ્રયાગ, ત્રિવેણી સંગમ 

      2. બનારસ – ઘાટ ઉપર મણિકર્ણિકા

      3. પુષ્કર (ટૂંટા વાલા ગોર), બ્રહ્માજી મંદિર (રાજસ્થાન)

      4. ગયા જી માં (હાથીવાલા ગુજરાતીના ગોરની ધર્મ શાળા)

      ત્રણ જગ્યાએ – (અ) ક્ષિપ્રા નદી ઉપર (બ) વડ પાસે (ક) વિષ્ણુપાદ મંદિરમાં

      5. બદ્રિકાશ્રમ

    • પિતૃ માટે બિહારમાં આવેલ “ગયા” તીર્થ ઉત્તમ છે. 
    • માતૃગયા માટે સમસ્ત ભારતમાં ગુજરાતમાં આવેલ “સિદ્ધપુર” નામના ગામમાં “બિંદુસરોવર” એ જ એક માત્ર સ્થળ છે).  માતા જીવિત હોય ત્યારે ન કરાય, ગુજરી ગયેલ દાદી માટે પણ નહિ. 
    • ઘણા એવું માને છે કે 1 વાર તીર્થ શ્રાદ્ધ કરી લો એટલે પિતૃઓનો મોક્ષ થઇ જાય અને ત્યાર પછી દર વર્ષે કાગવાસ નાખવાની જરૂર નથી. પરંતુ એ કરો તેમાં પણ કઈ દોષ નથી, માટે અવશ્ય કરવો.

ગીતામાં વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે મૃત્યુ પણ હું છું. માટે મિત્રો, મૃત્યુથી ડરો નહિ. જીવ ગત થઇ જાય તો તેના પરિવાર તરફ સહાનુભૂતિ રાખો, મદદે આવો. કોઈ નું જીવન જો ન સુધારી શક્ય હોવ તો મૃત્યુ સુધારવામાં સહાયક થાવ. મૃત્યુ સુધરે તો જીવ સદગતિએ જાય અને એનું પરલોક સુધરે અને તમને આશીર્વાદ મળે જે અસલી ખજાનો છે.