કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક, વૈદિક, પૌરાણિક, સાંસ્કૃતિક જ્ઞાન કે ભગવાનને લગતા ક્ષુદ્રાતીક્ષુદ્ર પ્રશ્ન, સંશય, શંકા, કુશંકા તથા તેના બુદ્ધિને સમાધાન આપનાર ઉત્તરોની આ શોભાયમાન હારમાળા સર્વને લાભકર્તા સિદ્ધ થાવ.
ભગવાન છે કે નથી?
ભગવાન છે. જુઓ – “ઈશ્વર છે ની સાબિતીઓ”.
ભગવાન દેખાતા કેમ નથી?
ઇન્દ્રિયોની પકડમાં ન આવવાને લીધે. (જેવી રીતે અગ્નિને હાથમાં પકડી શકાતી નથી, દિવ્યતા એ માયિક પદાર્થના પાત્રમાં ગ્રહણ થતી નથી). હજુ મોટા કાંકરા પથ્થર (સાંસારિક વિષય પદાર્થો) પકડાય પરંતુ ચાળણી(જડ એવી ઇન્દ્રિયો) માં પાણી (સૂક્ષ્મ દિવ્યતા) કેવી રીતે પકડાય? ઈશ્વર એ ઇન્દ્રિયોનો વિષય જ નથી. માટે (આપણી ઈચ્છા પ્રમાણે ) ઇન્દ્રિયોથી દેખાતા / અનુભવાતા નથી.
તો પછી ઇન્દ્રિયોથી વધુ શક્તિશાળી યંત્રથી પણ કેમ નથી દેખાતા?
યંત્રો ઇન્દ્રિયોથી શક્તિશાળી નથી હોતા. યંત્રો અંગોથી શક્તિશાળી હોય છે. અંગોની સીમાને લીધે ઇન્દ્રિયોની સીમા આવી જાય છે.
અર્થાત ઇન્દ્રિયોથી શક્તિશાળી એવી બુદ્ધિ થી પકડમાં આવે?
નાં, કારણકે બુદ્ધિને પ્રકાશીત કરનાર પ્રકૃતિથી પણ પર છે ભગવાન. શરીરના અંગો જેવાકે હાથમાં કળશ, પુસ્તક ઇત્યાદિ પદાર્થો ગ્રહણ કરી શકાય છે. પગમાં પગરખા અને શીશ ઉપર પાઘડી ધારણ કરી શકાય છે. પરંતુ અમુક વસ્તુઓ અંગોથી પરે છે. જેમ અંગોથી અગ્રાહ્ય પણ ઇંદ્રિયોની પકડમાં આવનાર જેવાકે કે ગરમી/ઠંડી, ધ્વનિ, હવાનો સ્પર્શ, પ્રકાશ, સ્વાદ ઇત્યાદિનું અસ્તિત્વ છે. તેમ ઇંદ્રિયોની પકડમાં ન આવી શકનાર પરંતુ બુદ્ધિથી ગ્રાહ્ય એવા તર્ક, વિતર્ક, જ્ઞાન, વિજ્ઞાનનું પણ અસ્તિત્વ છે. બસ એવી જ રીતે બુદ્ધિથી પણ પરે, બુદ્ધિથી અગ્રાહ્ય એવી દિવ્યતાનું પણ અસ્તિત્વ છે.
એનો અર્થ એવો થયો કે ભગવાન કદી દેખાશે જ નહી?
એવું નથી. અવશ્ય દેખાશે, પણ એની ઇચ્છાથી; નહિ કે મારી, તમારી કે બીજા કોઈની. એ સૃષ્ટિના પ્રત્યેક તત્વ ઉપર આધિપત્ય ધરાવે છે. માટે જો એ ધારશે (કૃપા કરશે) તો બુદ્ધિ, ઇન્દ્રિયો, આંખ વગેરે સર્વ વસ્તુથી દેખાશે પણ ખરા. સમસ્ત સૃષ્ટિના રચેતા ભગવાન એ સર્વ સત્તાધીશ છે. સત્તા સ્વાભાવિક રીતે સ્વતંત્ર છે. માટે તેને આદેશ ન આપી શકાય, માત્ર વિનંતી જ કરી શકાય. વિનંતી સાંભળવી કે ન સાંભળવી એ સત્તાના હાથમાં છે.
તો પછી ભગવાન દર્શન ક્યારે આપે?
જ્યારેઆપણી “લાયકાત” આવી જાય ત્યારે. (આપણામાં દિવ્યતા જાગ્રત થવાથી સુપાત્ર બનીએ છીએ).
દિવ્યતા આવી એ કેવી રીતે ખબર પડે?
ઈશ્વર દર્શનની આપણી “લાયકાત” કેમ નથી?
આપણી અંદર રહેલ નિર્બળતાઓ ને લીધે.
નિર્બળતાઓ કેમ છે?
પહેલેથી છે.
તો એને દૂર કરવાનું મન કેમ નથી થતું?
પોતાનામાં થોડી યોગ્યતા, થોડું બળ, થોડી વિશેષતા દેખાવાથી પોતાનામાં રહેલી નિર્બળતાનું દુ:ખ થતું નથી. અને, માટે એ નિર્બળતાને દૂર કરવાની આવશ્યકતાનો અનુભવ થતો નથી.
પોતાની નિર્બળતાને દૂર કરવાની આવશ્યકતાનો અનુભવ ક્યારે થશે?
ભગવાનની સર્વસક્ષમતા અને સર્વજ્ઞતામાં નિશ્ચયાત્મક બુદ્ધિ બને ત્યારે, કાં તો તમારા પહેલાના કરેલા સત્કર્મો જ્યારે (તેના સારા ફળ ભોગવવાને લીધે) ક્ષીણ થવા પામશે ત્યારે.
અમુકનું કહેવું છે કે ભગવાનને આપણે જ આવશ્યકતા માટે બનાવ્યા છે. શું એ સાચું છે?
એને પૂછો કઈ રીતે?
જો કલ્પનાની રીતે કહેતા હોવ, તો ભગવાનની લીલા તમારી કલ્પનાની પરે કેમ છે? ભગવાન કેવી રીતે કાર્ય કરે છે ત્યાં તમારી કાલ્પનિક બુદ્ધિ કેમ નથી ચાલતી? જો તમે મૂર્તિની વાત કરતા હો, તો એ મૂર્તિનો પદાર્થ સુધ્ધા કાઈ આપણે નથી બનાવ્યો, કુદરતે આપ્યો જેમાં આપણે માત્ર આકાર આપ્યો, તો ભગવાનને બનાવવાની વાત જ દૂર રહી. વિના પદાર્થ તમે આકાર કોને આપત? કાર્યમાં કારણના ગુણો ઉતરીને આવતા હોય છે. તો ભગવાનમાં પણ આપણા ગુણ કે દોષો ઉતરીને આવત, પરંતુ એ તો ગુણ કે દોષો થી રહિત છે. જો આપણે એને બનાવ્યા હોત, તો એને મિટાવી પણ શકત. એને મીટાવાની વાત તો દૂર રહી, એના જેટલી શક્તિઓ પણ આપણી પાસે નથી. ભગવાનને તમે બનાવ્યા એ છોડો, તમને કોણે બનાવ્યા એ વિચાર કરો ! અસલમાં એથી તદ્દન ઉલટુ છે. ભગવાને આપણને બનાવ્યા છે, પ્રકૃતિના માધ્યમ દ્વારા જે ભગવાનની એક પ્રકારની શક્તિ જ છે. અને રહ્યો પ્રશ્ન આવશ્યક્તાનો, તો ભગવાનની આવશ્યકતા કોને નથી? હંમેશ રહેશે.
તો પછી ભગવાનની આવશ્યકતા ક્યારે જાગૃત થશે?
હૃદયમાં પ્રેમનો ઉદ્દેશ્ય હોય, સંસારની મમતા-આસક્તિ છૂટે ત્યારે ઈશ્વરની આવશ્યકતા જાગૃત થશે.
જો મનુષ્યમાં માનવતા હોય, વિવેક હોય, પ્રમાણીકતા હોય, નિર્દોષતા હોય, કોઈ વ્યસન ન હોય, બૂરી આદતો ન હોય, સ્વકર્મમાં પ્રવૃત્ત હોય, મહેનતુ હોય અને એવા અનેક સદગુણો સ્વાભાવિક રીતે વિદ્યમાન હોય તો શું એને ભગવાનને પૂજવાની આવશ્યકતા ખરી? કારણકે એથી ઉલટું અપ્રમાણિક અને દુર્જન લોકો, જેમાં માનવતા નથી તેઓ પણ ભગવાન આગળ શીશ ઝુકાવે છે તેનો કોઈ અર્થ નથી, આવું અમુકનું માનવું છે.
એવું કહેનારા લોકો વિતંડાવાદી છે. અને, આજ છે સમજદારીની વિડંબણા. થોડું બળ, થોડી યોગ્યતા અને વિશેષતા શું આવી, મનુષ્યને પોતાની નિર્બળતાઓ દેખાતી જ નથી. એને દૂર કરવાની આવશ્યકતા પણ જણાતી નથી. ઉપર કહેલ સદગુણો અને વિવેક જો તમારામાં વિદ્યમાન હોય, તો શું તમે ભગવાનને પૂજ્યા વિના રહેવાના હતા? ન પૂજનારાઓ ભલે માનવતા રાખતા હોય પણ તે નર્યા પશુ જ છે. પ્રત્યેક પ્રાણી જંગલી અને હિંસાત્મક નથી પણ શું આપણે એને માનવ કહીએ છીએ? વફાદાર તો કુતરા પણ હોય છે પરંતુ માનવ ત્યારે જ માનવ કહેવાય જ્યારે તે ભગવાનમાં શ્રધ્ધા રાખે છે. આ જ સાચો વિવેક છે.
તમે ચોર હોવ કે દયાળુ, ઉદાર હોવ કે કંજૂસ, માનવતા તમારામાં ઓછી હોય કે વધુ – સૂર્ય સર્વને એક સમાન પ્રકાશ આપે છે અને સૂર્ય પ્રકાશની જરૂર પ્રત્યેક ને છે. ગમે તેટલા દીવા કરો પણ સૂર્યના પ્રકાશનાં જેવો લાભ તો નહિ જ મળે. માટે ભગવાનની જરૂર પ્રત્યેક ને છે. તેને પોતાના ધર્મ પ્રમાણે પૂજવાની આવશ્યકતા નિસ્સંદેહ હંમેશ છે.
મનુષ્ય ભલે ખોટા કાર્યો કરતો હોય, પણ જો એ ઈશ્વરને નિયમિત સાચા હૃદયથી પૂજે છે, તો એ દિવસ દૂર નથી કે આ મનુષ્ય પેલા પ્રમાણિક પણ ઈશ્વરને ન પૂજનાર મનુષ્ય થી આગળ વધી જશે.
In short, you never had, you don’t have and you never will have any excuse whatsoever not to worship God.
અમુક લોકો ઈશ્વરમાં માનતા જ નથી. મંદિરોમાં જતા નથી. અને અનાયાસે જો સામે આવી જાય તો પણ ભગવાનની પ્રતિમા સમક્ષ પ્રણામ સુધ્ધા કરતા નથી. આવા લોકોને શું કહેવું? એમને શું સમજવા?
માટે એને એના હાલ ઉપર છોડી દો, તેની સંસારિક બુદ્ધિમાં ભેદ કરવાની કોશિશ ન કરો, સાવધાન રહો અને પોતાનો ઈશ્વર પ્રત્યેનો માર્ગ પ્રશસ્ત કરતા રહો.
ઈશ્વરની મહિમા સાચી રીતે ન જાણનારા અમુક અજ્ઞાનીઓનું માનવું એવું છે કે – ભગવાન જો સર્વ સક્ષમ છે, તો એણે દુનિયા આવી ભૂલ ભરેલી કેમ બનાવી જેમાં હિંસા, અસત્ય, ઢોંગ, પ્રપંચ ઇત્યાદિ ત્રુટીઓ રહેલી છે?
બસ, આવી જ રીતે વસ્ત્ર બનાવનારને દોષ દેનાર, માતા-પિતાને દોષ દેનાર અને ઘર બાંધનારને દોષ દેનાર જેવો હાંસી ને પાત્ર બને છે એવી જ રીતે, ભગવાનને દોષ દેનાર પણ હાંસી ને પાત્ર બને છે.
કટાક્ષ – ભગવાનની માત્ર એક જ ભૂલ થઈ છે, અને તે એ છે, કે – આપણને ભગવાનના દોષ દેખાય એવા એણે બનાવ્યા. અલબત્ત આત્મોન્નતિના માર્ગે જવું હોય તો “પર-દોષ નહીં પણ સ્વ-દોષ જોવા” માટે – ભગવાનની ભૂલ જોનારાઓ ને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું કે તેઓ આત્મોન્નતિના માર્ગે છે કારણકે ભગવાન એ કઈ “પર” (આપણાથી બીજો) નથી.
ભગવત્કૃપા તો સર્વ પર એક સમાન છે તો સર્વને લાભ એક સમાન કેમ નથી?
ભગવાનથી વિમુખ થવાને લીધે. ગંગાની નજીક રહીને પણ એના પ્રવાહમાં ડૂબકી ન લગાવો, તેનું જળ ન પીઓ તો એમાં મા ગંગાની કૃપા સર્વ ઉપર એક સમાન નથી એમ કેમ કહી શકાય? સવારનો સૂર્યનો તડકામાં જે જશે એને આવશ્યક સત્વો મળશે પણ ન જાવ તો સૂર્યની કૃપા સર્વ ઉપર એક સમાન નથી એમ ન જ કહી શકાય. એવી જ રીતે ભગવાનથી વિમુખતા છોડી એની સન્મુખ થવાથી એની કૃપાનો લાભ પ્રત્યેકને અવશ્ય મળશે.
ધનાદી સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ એ ભગવાનની કૃપાથી મળે કે પ્રારબ્ધથી?
જડતાની પ્રાપ્તિ તો પતન છે. નાશવાન વસ્તુઓની પ્રાપ્તિમાં ભગવાનની કૃપાને લગાડવી એ ભૂલ છે. કૃપા તો ચિન્મયતાની પ્રાપ્તિમાં જ છે. સાંસારિક અનુકૂળતાની પ્રાપ્તિ અને પ્રતિકૂળતાનો નાશ એ કઈં ભગવાનની કૃપા નથી, એ તો કર્મફળ માત્ર છે. ભગવાનની કૃપા છે – જડતાની વૃત્તિ હટાવી ચિન્મયતામાં જવું, સત્સંગમાં લાગવું.
આપણે ભગવાન પાસે કોઈ વસ્તુ માંગીએ તો આપણો સંબંધ એ વસ્તુ સાથે સધાય છે, ભગવાન સાથે નહીં. જ્યા સુધી ભગવાન સાથે સંબંધ નથી થયો ત્યાં સુધી સર્વ લૌકિક જ હોય છે. ભગવાન સાથે સંબંધ થવાથી સર્વ અલૌકિક થઈ જાય છે. અલૌકિકતા અનુભવવા માટે મંદિરોમાં જવું અને ભગવાનના દર્શન કરવા જોઈએ.
હા, નિસ્સંદેહ બદલી શકાય છે. અને એની ચાવી છે; “વર્તમાન” !!!
આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે – “જો અમુક થયું હોત, તો આજે આમ હોત …”
ભગવાન; એ સર્વની અંદર હોવાને લીધે સર્વજ્ઞ છે. અને સર્વ તેની અંદર હોવાને લીધે – શૂન્યમાંથી સર્જન કરી જાણનાર હોવાને લીધે સર્વ સક્ષમ પણ છે. (જેવી રીતે આકાશ જેમ સર્વ પદાર્થોની અંદર અણું-પરમાણુઓની વચ્ચે પણ છે અને એ જ આકાશમાં મહાન આકાશગંગાઓના અસંખ્ય સમૂહો વિદ્યમાન છે). સમય એ સૃષ્ટિનો અભિન્ન અંગ છે. ભગવાને સૃષ્ટિ રચી માટે એ સમયથી પર છે. તેને કાઈ પણ કરવા માટે સમયની જરૂર જ નથી. માટે, ભગવાન ભૂતકાળ પણ બદલી શકે છે.
પણ જો આપણે આપણા હાલના વર્તમાનને સહર્ષ સ્વીકારી લઈએ, તો ભૂતકાળને બદલવાની આવશ્યકતા જ નથી રહેતી.
આનાથી ભગવાનની સર્વત્રતા સાબિત થાય છે.
ભગવાન કેવા છે? ન્યાયકારી, પક્ષપાતી, દયાળુ કે પછી ઉદાસીન?
ભગવાનમાં વિશ્વાસ દ્રઢ કેવી રીતે થાય?
ભગવાન સાથે દ્રઢ આપણાપણુ સર્વ દોષોને ખાઈ જાય છે.
ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મારે શરણે જે છે એનું સંપૂર્ણ યોગક્ષેમ હું ઉપાડી લઉં છું. પરંતુ શરીરનિર્વાહ માટે સંસાર ઉપર નિર્ભર થવું જ પડે છે, તો પછી ભગવાન ઉપર પૂર્ણ નિર્ભરતા કેવી રીતે આવે?
જો ભગવાન સર્વનું પાલન-પોષણ કરે છે તો પછી મનુષ્ય ભૂખ્યા કેમ મરે છે?
એ એમનું પ્રારબ્ધ છે. ભગવાન એમના માટે અન્નની આવશ્યકતા નથી સમજતા, એવી જ રીતે કે જેમ વૈદ્ય રોગીને અન્ન ગ્રહણ કરવાની ના પડે છે ત્યારે એનો ઉદ્દેશ્ય રોગીને સાજો કરવાનો છે. આવશ્યક માત્ર ભગવાન છે. ભૂખે મરવું એ પણ એક સાધન છે, જેનાથી પાછલા કર્મોનું પ્રાયશ્ચિત થાય છે.
આપણે માત્ર આપણી દ્રષ્ટિથી જોઈએ છીએ અને એવું લાગે છે કે ભગવાન અયોગ્ય કરી રહ્યો છે પરંતુ ભગવાન આપણે સર્વથી વધુ જાણનાર, વધુ દયાળુ અને વધુ સમર્થ છે.
સ્તોત્ર ઇત્યાદિના અર્થ જાણ્યા વગર જો કરવામાં આવે તો શું તેનું ફળ મળે?
વૃક્ષનું મહાત્મ્ય તથા કેરી, કેળા કે સફરજનના લાભ ઇત્યાદિ જાણ્યા વિના પણ જો તમે વૃક્ષ વાવો તોય તેનું પરિણામ તો સારું જ આવશે એ રીતે કરેલા સ્તોત્ર એ સત્કર્મ છે અને કોઈ પણ સત્કર્મનું ફળ સારું મળે જ. જો અર્થ સહિત કરો તો તેનો વિશેષ લાભ મળે છે.
“કણ કણ માં ભગવાન છે”, અને “કણ કણ ભગવાન જ છે” આ બે માં શો ફરક છે?
“કણ કણ માં ભગવાન છે” – એ માન્યતા છે.
“કણ કણ ભગવાન જ છે” – આ વાસ્તવિકતા છે.
આધ્યાત્મિકતા શા માટે?
“The whole science of spirituality is to become free from the process where you mortgage your happiness to the outside situation.”
જેઓ ભૂખમરોના શિકાર છે, નાની નાની જરૂરતો માટે ખૂબ મહેનત કરવી પડે છે, તેવાને આધ્યાત્મિકતા
1. રોટી, કપડા કે મકાન જેવી પ્રાથમિક જરૂરીયાતો પૂરી નથી કરી આપતી
જેમની પ્રાથમિક જરૂરિયાતો મળી રહે છે, તેવાને આધ્યાત્મિકતા –
2. ઇન્દ્રિય સુખના પદાર્થો પ્રાપ્ત નથી કરી આપતી
જેમને પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય ઉપરાંત ઇન્દ્રિય સુખો ભોગવવા મળે છે, તેવાને આધ્યાત્મિકતા –
3. ભવિષ્યની સુરક્ષા પ્રદાન નથી કરતી
જેમને પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય, ઇન્દ્રિય સુખો ભોગવવા મળે છે ઉપરાંત જેમનું ભવિષ્ય સુરક્ષિત છે, તેવાને આધ્યાત્મિકતા –
4. કોઈ મહત્વના વ્યક્તિ સાથેનો સંપર્ક નથી બનાવી આપતી
જેમને પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય, ઇન્દ્રિય સુખો ભોગવવા મળે છે, ભવિષ્ય સુરક્ષિત છે ઉપરાંત જેઓ પાસે મહત્વના વ્યક્તિઓના સંપર્કો છે, તેવાને આધ્યાત્મિકતા –
5. જગ વિખ્યાત નથી બનાવતી
તદુપરાંત
6. આધ્યાત્મિકતા આત્માને પુષ્ટ બનાવે છે – જે સદાય ખોટું આચરણ કરવાથી અહંકારને ડંખે છે
આમ જરૂરિયાતો થી માંડી ને ઇચ્છાઓના સમુદ્રો વચ્ચે અને અહંકારી જીવો માટે “આધ્યાત્મિકતા” નું સ્થાન કશેય નથી.
આ જ કારણસર, લોકો આધ્યાત્મિકતાને અપનાવતા નથી. આમ જેઓ આધ્યાત્મિક નથી તેઓ અહંકારી છે અથવા અસંતુષ્ટ છે અથવા બંન્ને છે એમ દ્રઢ સમજવું.
1. ખરું જોતા ઈશ્વર, જે જન્મ્યું છે તેનો યોગક્ષેમ નો ભાર પોતે ઉપાડે છે. કુદરતે પ્રત્યેકને પોતપોતાનું કાર્યક્ષેત્ર આપેલ છે જેમાં સ્વાભાવિક રીતે પ્રવૃત્ત થવાથી ગુજરાન ચાલી જાય છે. તકલીફ ત્યારે આવે છે જ્યારે મનુષ્ય નૈષ્કર્મ્યનું સુખ મેળવવા અકર્મમાં અથવા કામના વશ વિકર્મમાં પ્રવૃત્ત થઇ જાય છે.
2. ઇન્દ્રિય સુખ કાયમી નથી તથા એક ભ્રમ માત્ર છે. આનંદ પદાર્થમાં નથી પોતાનામાં છે જે પેલા બાહ્ય પદાર્થ-પ્રાપ્તિ માટે તમે ગિરવે મૂકી દીધેલો. આધ્યાત્મિકતા તમને તમારો જ આનંદ પાછો આપાવશે જે ગમે તેટલું ઇન્દ્રિય સુખ પણ નહિ આપી શકે.
3. ખરો પ્રશ્ન ભવિષ્યની સુરક્ષાનો નથી પરંતુ તેની ચિંતા માં આજનો વર્તમાન ન ગુમાવવાનો છે. આધ્યાત્મિકતા તમને અમરત્વ આપીને એટલી નિર્ભયતા આપશે જે ગમે તેટલી ભવિષ્યની સુરક્ષા કરશો તો પણ નહિ મળે.
4. મફત કશું જ નથી. એક પ્રતિભાશાળી વ્યક્તિની તાકાતનો સહારો લેશો તો કાલ ઉઠીને તમારે પણ તેને માટે કશુંક જતું કરવું જ પડશે. આધ્યાત્મિકતા તમને એની સાથે સીધી ઓળખાણ કરાવશે જેની ઈચ્છા વગર એક પાંદડું પણ નથી હાલતું. પછી કોઈ મોટા માણસની ઓળખાણની ગરજ નહિ રહે.
5. જે પૃથ્વીનો રાજા છે તેની ઉપરના 6 લોક (ભુવ:લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક, અને સત્યલોક) ના અલૌકિક ઐશ્વર્ય તરફ દ્રષ્ટિ છે માટે ઇચ્છાઓનો અંત નથી પણ શરીરનો અંત નિશ્ચિત છે. આધ્યાત્મિકતા તમને સમસ્ત ઐશ્વર્ય અપાવશે.
6. આત્માની પુષ્ટિ વિરુદ્ધ જવાથી અધોગતિ નિશ્ચિત છે. આજે નહિ તો કાલે આત્માની પુષ્ટિ કરવી જ પડશે એના વગર સંસારમાં પીસાતા રહેવાનું.
તો આવો – બુદ્ધિને સમાધાન વાળી કરી, નિશ્ચયાત્મક બનાવી શાંતિ પ્રાપ્ત કરીએ
સંદર્ભ –
[પ્રશ્નોત્તરમણિમાળા, સ્વામી રામસુખદાસ]
[અમૃત-બિંદુ શિક્ષાસાહસ્ત્રી, સ્વામી રામસુખદાસ]