ધ્યાન-સંધ્યા-પૂજા – ને લગતા પ્રશ્નો


પ્રશ્ન – 

ઘરમાં સૂતક હોય તો શું સંધ્યા-પૂજા થાય?
ઉત્તર –
ન થાય. માનસિક કરી શકાય, ઉપનાશુ રીતે (હોઠ હલાવ્યા વગર). આ બે મંત્રોના જાપ થઇ શકે.
1. ૐ નમોં ભાગવતે વાસુદેવાય
2. ૐ નમ: શિવાય

પ્રશ્ન – 
ૐ નું ઉચ્ચારણ સ્ત્રીઓ માટે નથી. શું એ સત્ય છે?
ઉત્તર –
તેમાં સ્ત્રી અને પુરુષ બંને આવી જાય. ખાસ કરીને 50 વર્ષથી નીચેનાને તો નહિ જ. ૐ ની સાથે બીજા મંત્રો બોલી શકાય જેવા કે –
1. ૐ નમો ભગવતે વાસુદેવાય
2. ૐ વિષ્ણવે નમ:
3. ૐ નમ: શિવાય
4. ૐ ગં ગણપતયે નમ:

પરંતુ માત્ર એકલા ૐ નું ઉચ્ચારણ સંસારીઓ માટે નથી, પરંતુ મુમુક્ષુઓ અને સન્યાસીઓ માટે છે. ૐ નું ધ્યાન કરવાથી ઈશ્વર તરફ તીવ્ર ગતિ થઇ, સંસાર પ્રત્યે વૈરાગ આવે છે અને સંસારી પુરુષોનું સંતુલન બગડે છે.


પ્રશ્ન – 
અવિવાહિત બ્રાહ્મણે જનોઈ કેટલા સૂત્રો વાળી પહેરવી? પરણેલ બ્રાહ્મણે કેટલા તાંતણા વાળી જનોઈ પહેરવી? 
ઉત્તર –

સૌ પ્રથમ તો – સૂત્ર અને તાંતણા એ બંનેમાં તફાવત જાણો. પ્રત્યેક જનોઈમાં એક ગાંઠ હોય છે જેમાં 3 સૂત્રો હોય છે. આમાના પ્રત્યેક સૂત્રમાં 3 તાંતણા હોય છે. એટલે કુલ 9 તંતુઓ હોય છે માટે જ યજ્ઞોપવિત ધારણ વખતે 9 દેવતાઓનું તેમાં આહવાન કરવાનું છે. હવે પરણેલ વ્યક્તિ આવી બે જનોઈ એક સાથે પહેરે અને વેદાભ્યાસી 3 પહેરે.


પ્રશ્ન – 

બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યા કરતી વખતે સંકલ્પ બોલતી વખતે વાર કયો લેવો? 
ઉત્તર –
સુર્યોદય થી જ વાર બદલાય તે સ્પષ્ટ છે. શાસ્ત્ર પ્રમાણે આખા ભારતમાં વાર બદલી માટે એક જ વ્યાખ્યા છે. સૂર્યોદય થી સૂર્યોદય. બ્રહ્મ મુહુર્ત માં સંધ્યા કરો તો પાછ્ળ ના દિવસનો વાર લેવાય તે યોગ્ય છે.જ્યોતિષ ની દ્રષ્ટિ થી જોઇએ તો જે સમયે જન્મ થયો હોય અથવા મૃત્યુ થયુ હોય તો તેજ સમય, વાર, તિથી લઇએ છે. તો સંધ્યા મા પણ બ્રહ્મ મુહુર્ત માં પાછળ ના દિવસનો વાર લેવાય. એટલે પ્રાત:સંધ્યા એ મધ્યાહન સંધ્યા અને સાયમ સંધ્યા પછી આવે.

પ્રશ્ન – 
સંધ્યા મા તિથિ નું મહત્વ છે. પણ ગુજરાત મા અને રાજસ્થાનમાં તિથિઓ અલગ હોય તો કઈ તિથિ લેવી? 
ઉત્તર –

ગુજરાત મા અમાસ પછી નવો મહિનો શરૂ થાય જ્યારે રાજસ્થાન માં પૂનમ પછી. ગુજરાત માં સંદેશ અને જન્મભુમિ પંચાંગ પ્રમાણે ચાલીયે તો અમાસ પછી મહિનો બદલાય છે. તો તે પ્રમાણેજ કાર્ય થાય. જે પ્રદેશમાં જે પંચાંગ પ્રસિદ્ધ હોય તે પ્રમાણે તિથિ અને વાર લેવા જોઈએ.


ધ્યાન પછી આહવાન કે આહવાન પછી ધ્યાન?
પ્રશ્ન- 
કોઈ પણ સામાન્ય દેવતા પૂજા સારુ આપણે આહવાન કરીને પંચોપચાર, અભિષેક ઇત્યાદિ કરીએ છીએ. આમાં એકદમ શરૂઆતમાં – ધ્યાન અને આહવાન ના અલગ અલગ મંત્રો છે.
પ્રશ્ન એ છે –
“પહેલા ધ્યાન કરવું અને પછી આહવાન કરવું?”
કે
“પહેલા આહવાન કરવું અને પછી ધ્યાન કરવું?”
ઘણાના મતમતાંતર જોયા છે.
ઘણા પુસ્તકોમાં ધ્યાન પછી આહવાન છે – પરંતુ અમુક વરિષ્ઠ ભૂદેવોનું કહેવું છે કે પહેલા આહવાન અને પછી ધ્યાન. સાચું અને યોગ્ય શું?
ઉત્તર-

આહવાન ના પહેલા દેવી-દેવતાઓ એમના યથા સ્થાને અપ્રત્યક્ષ, અદ્રશ્ય અને નિરાકાર હોય છે. આવામાં ધ્યાન શેનું કરશો? આહવાન કરવાથી દેવતા પ્રકટ થાય છે જેનું પ્રત્યક્ષ અને ચોક્કસ રૂપ હોય છે. એનું જ ધ્યાન, આસાન, પાદ ઇત્યાદિ સંભવ થાય છે. આહવાન કરતી વખતે એમનો વિચાર થાય છે પરંતુ ધ્યાન તો તેમના રૂપ રંગનું થાય છે જે આહવાન પશ્ચાત જ સંભવ છે. માટે પહેલા આહવાન અને પછી ધ્યાન. ગાયત્રી સંધ્યા કરતી વખતે પહેલા આવાહન થાય છે, પછી ન્યાસ ઇત્યાદિ પછી, જાપ કરતા પહેલા ધ્યાન કરવામાં આવે છે.

આમ છતાં અમુક વિદ્વાન ભૂદેવો ના કહેવા પ્રમાણે ધ્યાન પહેલા કરાય – કારણકે જે સ્વરૂપમાં ધ્યાન કરો એ સ્વરૂપમાં દેવતા પ્રકટ થાય. અને, એક વાર દેવતા આવે તો તુરંત મહેમાન આવ્યા એમ આસાન, પાદ્ય, અર્ઘ્ય ઇત્યાદિ ચાલુ કરી દેવું પડે.

માટે પોતાનો વિવેક વાપરી, પોતાના ગુરુને યાદ કરી કર્મ કરવું.


પ્રશ્ન- 
શું બહેનો / સ્ત્રીઓ શિવલિંગની પૂજા કરી શકે?
ઉત્તર-

ચોક્કસ કરી શકે…એમા કોઈ શંકા ને સ્થાન નૈ

પ્રશ્ન- 

શું બહેનો / સ્ત્રીઓ એ શિવલિંગને સ્પર્શ કરી શકે?
ઉત્તર-

ઘરના / પાર્થિવના શિવલિંગનો સ્પર્શ દોષ નથી પણ પ્રતિષ્ઠિત લિંગ નો સ્પર્શ ” દોષ ” ગણાય છે

પ્રશ્ન- 
શું બહેનો / સ્ત્રીઓ રુદ્રાક્ષ માળા ધારણ કરી શકે?
ઉત્તર-

રુદ્રાક્ષ વૈરાગ્યનું પ્રતીક છે ,શાસ્ત્ર પ્રમાણે લગ્ન બાદ સ્ત્રીએ શરીરના દરેક અંગે આભૂષણ તેમજ સૌભાગ્ય દ્રવ્યો ધારણ કરવા. માત્ર બ્રહ્મચર્યાંશ્રમ /સંન્યસ્ત આશ્રમમા અને વિધવા હોઇ તો પહેરી શકાય.

પ્રશ્ન- 

શું બહેનો / સ્ત્રીઓ ગાયત્રી મંત્રના જાપ કરી શકે?
ઉત્તર-
કોઈ પણ વેદ મંત્રનો ઉચ્ચાર “સ્ત્રી/અનઉપવિતો” માટે ના કહી છે..

પ્રશ્ન 
મદન ફળ પૂજન શું છે? શું એ નવચંડી વખતે કરવું આવશ્યક છે?
ઉત્તર 

મદન ફળનું પૂજન જેવું કાંઈ નથી. એ તો ગ્રહ શાંતિ સમયે રાખવામાં આવે છે જેથી વર / વધુને તકલીફ ન પડે. નવચંડી વખતે મદન ફળ રાખવું એ એક તર્ક માત્ર છે. આવશ્યક નથી.


AmbitionWork