યજુર્વેદ એટલે – ઈશ્વરની સંનિધિની ભાવના સહીત, ઉત્તમોત્તમ ગુણવત્તા વાળા વિચારો ધારણ કરી, કૃતજ્ઞતાથી ભરપૂર મન બનાવી, યજ્ઞ-કર્મ રૂપી ભક્તિ દ્વારા પરમતત્વ સુધી પહોંચવા માટેનો સુસંસ્કારી, સુશિક્ષિત અને વૈજ્ઞાનિક માર્ગ. [અનુપ બાળકૃષ્ણ જાની]
યજુર્વેદ ધ્યાન
अजास्य: पीतवर्ण: स्याध्यजुर्वेदोSक्षसूत्रधृक् |
वामे कुलिशपाणिस्तु भूतिदो मङ्गलप्रद: ||
ભગવાન યજુર્વેદ બકરાના સમાન મુખ વાળા, પીતવર્ણ વાળા તથા અક્ષમાળા ધારણ કરવા વાળા છે. તેઓએ એમના ડાબા હાથમાં વજ્ર ધારણ કરેલ છે. એ સર્વ પ્રકારના ઐશ્વર્ય અને મંગળ પ્રદાન કરનારા છે.
(શુક્લ)યજુર્વેદમાં કુલ 1975 મંત્રો છે.
યજ્ઞ-કર્મ ઉપરનો આ વેદ બે પ્રકારના સંપ્રદાયોમાં વહેંચાયેલો છે.
કૃષ્ણ યજુર્વેદ [બ્રહ્મ-સંપ્રદાય] (અને તેની ચાર શાખાઓ)
1. તૈત્તેરીય શાખા
2. મૈત્રાયણી શાખા
3. કઠ શાખા
4. કપીષ્ઠલ- કઠ શાખા
શુક્લ યજુર્વેદ [આદિત્ય-સંપ્રદાય] (અને તેની બે શાખાઓ)
1. માધ્યન્દિન શાખા – 40 અધ્યાય, 303 અનુવાક, 1975 કંડિકાઓ (મંત્રો)
2. કાણ્વ શાખા – 40 અધ્યાય, 328 અનુવાક, 2086 કંડિકાઓ (મંત્રો)
મંત્રાનુક્રમસૂચિ
યજુર્વેદના અભ્યાસીઓ માટે સરળતાથી શ્લોકો શોધવા માટે મંત્રાનુક્રમસૂચિ એક પ્રકારની અનુક્રમણિકા જેવી જ છે. ધારીલો કે તમારી પાસે અર્થસહિત યજુર્વેદનું આખું પુસ્તક છે ધારોકે તમને “गणानांत्वा गणपति … ” શ્લોક શોધવો છે કે કયા અધ્યાયમાં કેટલામો છે. અને એનો અર્થ પણ. (ક, ખ, ગ … કક્કો પ્રમાણે મંત્રાનુક્રમસૂચિમાં શ્લોક શોધી લો.અને તેનો અધ્યાય ઇત્યાદિ જાણી લો). આ મંત્રાનુક્રમસૂચિ તમે તમારા સ્માર્ટફોનમાં પણ રાખી શખો છો. આવશ્યકતા મુજબ શ્લોક શોધી લેવાય.
હે વેદાભ્યાસીઓ! ખૂંદી વળો વેદોને. ડૂબકી લગાવો આ અમૃત સાગરમાં !!