“ઈશ્વર છે” ની સાબિતીઓ

જિજ્ઞાસુ ને પ્રશ્ન થવો સ્વાભાવિક છે – “ભગવાન છે કે નથી”. મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ સાચી શ્રધ્ધા કહેવાય, અન્યથા અંધશ્રદ્ધા કહેવાય.


મિત્રો, ધ્યાન આપજો:
જેમ દિવસ છે તો રાત્ર પણ છે;  એમ, ભારતીય દર્શન (આધ્યાત્મવાદ) ની સાથે સાથે પ્રાચીન કાળથી ચાર્વાક દર્શન (જડવાદ) ની વિચારધારા પણ નિરંતર પ્રવાહિત થતી રહી છે. આ વિચારધારા ને ભૌતિકવાદી તત્વજ્ઞાન અથવા નાસ્તિક દર્શન પણ કહે છે, કારણ એણે પરલોક, ઈશ્વર તથા વેદ ત્રણેને નકાર્યા. તેના સિધ્ધાંત બહુ જ મનોહર છે. (ચર્વ = ચાવવું) જેમ કુતરો શુષ્ક હાડકાને ચાવ ચાવ કરે અને પોતાના જ પેઢાંને વાગવાથી નીકળતા લોહીને તે હાડકાનો રસ સમજી વધુ ચાવે તેમ આનંદ આપણે બાહ્ય પદાર્થમાં માની તેનું ઇન્દ્રિયો દ્વારા સેવન કરીએ એ પરથી આ નમાલા સિધ્ધાંતનું નામ ચાર્વાક પડ્યું.
 —
અધુરૂમાં પૂરું, આપણી આધ્યાત્મિકતાને વર્ષોથી, દ્રાવિડ, યૂનાની, સીથિયન, મુગલ, ઈસાઈ, આગ્નેય, નેગ્રીટો, ઈરાની, યવન, શક, કુશાણ, પહ્રવ, હૂણ, અરબ, તુર્ક,  આવી અનેક આક્રન્તાઓ (બાહ્ય શક્તિઓ) નાં માર વાગી વાગીને આપણી સંસ્કૃતિને જીર્ણ કરી.
પ્રતીકાત્મક ભાષા માં કહીએ તો, કાળા વાદળો એટલા છવાયા કે દિવસ અપ્રત્યક્ષ બન્યો. ચાર્વાક મત વશ; રાત્રીની પ્રત્યક્ષતા ઉપરાંત દિવસની અપ્રત્યક્ષતાને લોકો સરળતાથી સ્વીકારતા થયા. અને અપ્રત્યક્ષને અસત્ય માની, જાણે કે સૂર્યના અસ્તિત્વને નકારવા લાગ્યા.
આધ્યાત્મિક જીવનના અભાવમાં આત્માની પુષ્ટિ થવાનું અટકી જતાં ભૌતિક્તાવાદે વિકૃત સ્વરૂપ લઇ લીધું. પરિણામરૂપ ધનનંદ જેવા વ્યભિચારી રાજાઓ અનીતિથી સત્તા પર આવી ગયા. તેમનો વિરોધ કરનારા અને સમાજનું કલ્યાણ ઇચ્છનારા એવા સુશિક્ષિત બ્રાહ્મણોનો બહિષ્કાર કર્યો. વેદાધ્યાયી બ્રાહ્મણો માટે આજીવિકા મુશ્કેલ બનતા તેઓ વેદ છોડી આજીવિકા ચલાવનારા જ્ઞાન તરફ વળ્યા અને વેદોનો પ્રકાશ મંદ પડી ગયો.
 —
એટલે જ મૂર્ખ નાસ્તિકો જાહેરમાં ઈશ્વરના અસ્તિત્વને નકારવાની હિંમત કરે છે, અને ગરીબ અસહાય આસ્તિક લોકો મૌન ધારણ કરે છે.
 —
આ રહ્યો તેવા લોકોને નિરુત્તર કરી દેતો ઉત્તર. વાંચો અને વિચારો. 
1. સાબીતિઓનો અભાવ

જે ઈશ્વરમાં માને છે તેને સાબિતીની જરૂર નથી. અને જેણે ઈશ્વરમાં ન માનવા માટેનો નિર્ધાર કર્યો છે તેને કોઈ પણ સાબિતી પર્યાપ્ત નથી. અત્યાર સુધીના શોધાયેલા યંત્રોમાં, પાંચ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ઘણી એવી બાબતો છે જે પકડાતી નથી છતાં તેની હયાતી છે. માટે ઈશ્વર નથી તે કહેવું એ અંધારામાં તીર ચલાવવા જેવું છે.


2. Binary System નો તર્ક

કમ્પ્યૂટર (સંગણક યંત્ર) માં Binary System કહે છે 1 અથવા 0. અર્થાત, જો 1 છે તો 0 નથી. અને જો 0 છે તો 1 નથી. ચાલો ફરજ પાડીએ, સાબિત કરી આપો કે… “ઈશ્વર નથી”. ઉ.દા. એવું ઘણું હયાત છે જે અદ્રશ્ય છે, અપ્રત્યક્ષ છે, અવ્યક્ત છે. બુદ્ધિ માં ન બેસે તો જરૂરી નથી કે હયાત નથી, માટે ઈશ્વર હોવાની શક્યતાને નકારી શકાતી જ નથી. આમ “ઈશ્વર નથી” એ સાબિત કરવું અશક્ય હોવાને લીધે Binary System પ્રમાણે જુઓ તો સાબિત થાય છે કે “ઈશ્વર છે”.

॥ यत्र भ्रम तत्र न ब्रह्म यत्र ब्रह्म कुतर्भ्रम ॥


3. આત્મા નું ઉદાહરણ 

 अनधिष्ठितस्य पूतिभावप्रसन्गान्न तत्सिध्धि:|| [साङ्ख्य दर्शन – 6.60] 

વિના આત્મા શરીર સડી જવાને લીધે આત્મા વગર શરીરની રચના સંભવ નથી. એવી જ રીતે સમસ્ત સૃષ્ટિ જેનું શરીર છે તે પરમાત્મા વિના સૃષ્ટિની રચના સંભવ નથી. (The holistic approach).


4. સર્જનનો સિધ્ધાંત

વગર સંકલ્પે સર્જન શક્ય જ નથી, અને સંકલ્પ, એ ચૈતન્ય (Conscious entity) દ્વારા જ થાય છે. આ સૃષ્ટિ પણ એક સર્જન હોવાથી એનો સંકલ્પ કરનાર ચૈતન્યની હયાતી સૃષ્ટિના પહેલેથી જ હતી. અજન્મા હોવાથી આ ચૈતન્યને, “જે જન્મે છે તે મરે છે” નો નિયમ લાગુ ના પડવાથી તે અમર છે. અને શૂન્યમાંથી સર્વ સર્જન કરનારની સર્વસક્ષમતા સાબિત થાય છે જેથી એને આપણે ઈશ્વર કહીએ છીએ. આમ સર્જનતાના સિધ્ધાંત (Principle of Creation) પ્રમાણે પણ “ઈશ્વર છે”.


 5. આધાર નો નિયમ

કળા-ચિત્રને કાગળનો, કાગળને પાટીયાનો, પાટીયાને ભૂમિનો અને ભૂમિને પૃથ્વીનો આધાર છે. ઉડતા પંખીને હવાનો, હવાને પૃથ્વી નો આધાર છે. આપણે પણ પૃથ્વીના આધારે ઊંચા ઊંચા બહુમાળી મકાનો બનાવવાને સમર્થ થઇએ છીએ. આધાર વિના અસ્તિત્વ નથી કે નથી ટકતી કોઈ વસ્તુ. પ્રત્યેક વસ્તુને કોઈ ને કોઈ આધાર છે. આધારને પણ કોઈનો આધાર છે. બુદ્ધિને એટલું તો અવશ્ય માનવું જ પડશે કે – સમસ્ત સૃષ્ટિ જે અનાદિકાળથી ટકેલી છે, કોઈ તો અંતે એવું એક તત્વ અચૂક હશે જે સ્વયં સર્વ આધારોનો આધાર છે. અંતમાં – સંપૂર્ણ, પૂરેપૂરું, સ્વતંત્ર, આપખુદ, અબાધિત, બિનશરતી એવું કઈક તત્વ અવશ્ય હોવું જોઈએ, જેને બીજા કોઈ આધારની જરૂર નથી.  એવું શું છે જે બદલાતું નથી? એવું શું છે જે કોઈના ઉપર પણ આધારિત નથી? ઇન્દ્રિયો દ્વારા જોવાય એવું કઈ જ નથી. આપણું મન અને બુદ્ધિ પણ બદલાતા રહે છે. “કઈ જ સ્થિર નથી” એનો સાક્ષી આત્મા એ સ્થિર છે. એ જ આત્મા જે કોઈ પણ કાળે, કોઈ પણ સ્થાને બદલાતો નથી. પૃથ્વીને આકાશનો, આકાશને ચિત્તનો અને ચિત્તને આત્માનો આધાર છે. (આત્મા એ જ પરમાત્મા).


6. યુગનો પ્રભાવ 

શું પત્થર યુગમાં જઈ કોઈ ને કહેશો કે – સેંકડો લોકોને સાથે લઇને હવામાં ઉડે એવું વાહન હોઈ શકે તો શું એ લોકો માનશે? નહિ જ માને. અરે! 100 વર્ષ પહેલા, જ્યારે વિમાન નહોતું શોધાયું ત્યારે પણ કોઈ (સિવાય આપણા પુરાણો) માનતું નહોતું. તો પછી આખા બે યુગ પહેલા પાણી ઉપર “રામ” નામના પત્થર તરે એવું અત્યારના લોકો કેવી રીતે માની શકે? પણ તેનાથી સત્ય બદલાઈ તો નથી જતું ને !!  એ યુગમાં મનુષ્યો, પ્રાણીઓની ભક્તિ એટલા ઉચ્ચ સ્તરે હતી કે જડ માં પણ ચેતનતા આવી જતી.


7. સ્વાર્થી માન્યતા 
જો ( ઈશ્વરમાં) માની લેનાર મૂર્ખ; તો બધા જ મૂર્ખ છે.
જો વગર બુદ્ધિએ માની લેવું એ મૂર્ખતા છે, તો સહુથી પહેલા 1 + 1 = 2 અને 4 / 2 = 2 એ તમે માની લીધું જ છે.પણ આખું ગણિત જેના ઉપર આધારિત છે એ જ ગણિત અમુક જગ્યાએ નિષ્ફળ જાય છે. ઉદાહરણ- એક નાં ત્રણ ભાગ કરો અને તે ત્રણ ભાગને ફરીથી જોડો તો એક નથી થતો. 1 / 3 = 0.3333333……
હવે ત્રણ “0.33333…. ” ને જોડો તો “0.9999999….” થશે પણ એક નથી જ થાય. અહીં તમારી ગણિતની મૂળભૂત માન્યતા કામ નથી લાગતી. પણ તમારા સ્વાર્થને ખાતર તમે ગણિતની તમારી 1 + 1 = 2 ની માન્યતાઓ જતી નથી કરતા. બસ આવી જ રીતે, સંસારનું મિથ્યાત્વ, સંસારની અસારતા અનેકાનેક વાર, પ્રસંગોપાત, છતી થતા હોવા છતાં આપણે સંસારને પકડી રાખ્યો છે કારણ તેનાથી આપણા ઘણા સ્વાર્થ સધાય છે. મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય. શ્રધ્ધા એ સંપત્તિ છે જે દરેકની પાસે નથી. માટે ઈશ્વરમાં નહિ માનનાર મનુષ્ય “નર્યો સ્વાર્થી જ છે” એ સાબિત થાય છે. તો હવે  તમે એમ કહેશો કે “માની લેનાર મૂર્ખ નથી” પણ “સ્વાર્થી નથી તે મૂર્ખ છે”. તો સાંભળો: જે જે વ્યક્તિને ઈશ્વરમાં શ્રધ્ધા નથી, તે તે વ્યક્તિએ પોતાનો સાચો સ્વાર્થ જાણ્યો જ નથી. આત્માની ઉન્નતી, એ જ સાચો સ્વાર્થ કહેવાય આથી જે જે શ્રધ્ધાહીન છે તે મૂર્ખ છે.

લોકો ગણિત (શાસ્ત્રો) ને દોષ દે છે કે તેમાં ગફલત છે. પણ માયા એવી છે કે ગફલત તો આપણી દ્રષ્ટિમાં છે પણ તે જણાતી નથી.ગણિત તો માત્ર પ્રામાણિક પણે વસ્તુ ઉઘાડી પાડે છે.
દોષ વસ્તુમાં નથી અલબત્ત જોનાર માં છે. આપણે “1” ને પૂર્ણ સમજીએ છીએ (કારણકે તેનાથી આપણા બધા [જાગતિક / જગતના] સમીકરણો બરાબર કાર્ય કરે છે).  પરંતુ જ્યારે તેના ત્રણ ભાગ કરો અને જોડવાનો પ્રયત્ન કરો એટલે ખબર પડે કે – 0.01 ગાયબ છે.
તોય આપણે મોઢા ઉપર સ્મિત આપીને ગણિતને જ દોષ આપી ને આગળ વધીએ છીએ અને જીવન ચાલ્યા કરે છે.
લોકો ગણિત (શાસ્ત્રો) ને દોષ દે છે કે તેમાં ગફલત છે. પણ માયા એવી છે કે ગફલત તો આપણી દ્રષ્ટિમાં છે પણ તે જણાતી નથી.ગણિત તો માત્ર પ્રામાણિક પણે વસ્તુ ઉઘાડી પાડે છે.
દોષ વસ્તુમાં નથી અલબત્ત જોનાર માં છે. આપણે “1” ને પૂર્ણ સમજીએ છીએ (કારણકે તેનાથી આપણા બધા [જાગતિક / જગતના] સમીકરણો બરાબર કાર્ય કરે છે).  પરંતુ જ્યારે તેના ત્રણ ભાગ કરો અને જોડવાનો પ્રયત્ન કરો એટલે ખબર પડે કે – 0.01 ગાયબ છે.
તોય આપણે મોઢા ઉપર સ્મિત આપીને ગણિતને જ દોષ આપી ને આગળ વધીએ છીએ અને જીવન ચાલ્યા કરે છે.

ભારતમાં 1 (જગત) ની સાથે 0.01 (ઈશ્વર) ને સાથે લઇ 1.01 (ધાર્મિક જીવન) પદ્ધતિ હતી. પણ તેમાં માથા ફૂટ બહુ હોવાને લીધે સરળતા માટે લોકો 0.01 ને કાઢીને જ 1 ને જ પૂર્ણ માને છે. પૂર્ણ 1.01 છે. નહિ કે 1
ત્રણ થી ભાગવા એ ગુણોને છુટા પાડવા બરાબર છે. મૃત્યુ વખતે એ છુટા પડે છે. પરંતુ સંસાર 1/2 અથવા 1/4 કરીને પોતાના સમીકરણો બનાવી ને જીવનનું ગણિત બનાવી નાખે છે.


હવે ઈશ્વર નથી તે કહેતા ચાર્વાક મતનું ખંડન કરીએ
8. ચાર્વાક મત (જડવાદ) નું ખંડન

બાહ્ય જગતમાં જે કઈ દેખાય છે અને ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે તે સત્ય ના હોઈ મિથ્યા છે.

તે અનેક પ્રકારે સાબિત થાય છે.
(અ) જે દેખાય છે તેવું નથી.
જરૂરી નથી કે જગત જેવું દેખાય છે તેવું જ હોય.
ઉદારહરણ: કોઈ પણ  “સ્ટીરીયોગ્રાફ” (Stereograph) જોઈ લો.
નીચે દેખાતા વિચિત્ર જંગલ અથવા રણ પ્રદેશ જેવા ચિત્રને ધારી ધારી ને જોશો તો એક મોટી “માખી” દેખાશે”. આનાથી સાબિત થાય છે કે જગત સદા જેવું દેખાય છે તેવું નથી.
FlyStereograph.jpg
 —
(બ) પ્રત્યેક નું જગત અલગ છે.
કુતરા ને રંગો નથી દેખાતા, ઘૂવડને દિવસે નથી દેખાતું, ચામાંચીડીયાને અવાજના મોજા થી દ્રશ્ય દેખાય છે, અરે! એક ઘરમાં રહેતા પ્રત્યેક વ્યક્તિનું જગત અલગ છે. આમ પ્રત્યેકની વાસ્તવિકતા જુદી છે. પણ આ વાસ્તવિકતાને જોનાર જીવ ને જોનાર એનો સાક્ષી આત્મા જ સત્ય છે. માટે જ કહે છે કે:
“વાસ્તવિકતા સાપેક્ષ છે પણ સત્ય નિરપેક્ષ છે”. (Reality is relative but Truth is absolute)
અને જે સાપેક્ષ (અપેક્ષા સહીત) છે તે સત્ય કેવી રીતે હોઈ શકે? (ન જ હોય).
સત્ય તો એજ હોઈ શકે જે “હર હાલ અને હર કાલ” માં એવું ને એવું જ હોય.
 —
(ક)  સર્વ ભૂતકાળ છે.
રાત્રીના સ્વચ્છ આકાશ તરફ .નજર કરો. તારાઓ અને નક્ષત્રો ભૂતકાળ છે. કારણ એના પ્રકાશને પૃથ્વી ઉપર પહોંચતા હજારો લાખો વર્ષો લાગે છે.
અત્યારે તે ત્યાં નથી. હવે જો સમયના સુક્ષ્માતીસૂક્ષ્મ ભાગ કરો. Second નો હજારમો ભાગ Milisecond, આગળ હજુ, Microsecond, Nanosecond, Picosecond, Femtosecond, Attosecond, Zeptosecond, Yoctosecond. આમ તમે જે કંઈ જુઓ છો તે અમુક Yoctoseconds પહેલાનું છે. તમને ફરક નથી પડતો એટલે તે ભૂતકાળને જ તમે સત્ય માની ને ચાલો છો બાકી ભૂતકાળનું અસ્તિત્વ જ નથી. માટે તમે જેને વર્તમાનનું જગત માનીને બેઠા છો તેનું હાલમાં અસ્તિત્વ જ નથી.
 —
(ડ) સાપેક્ષતાનો નિયમ કહે છે કે જગતમાં સર્વ અપેક્ષા સહીત છે. પ્રયોગ માટે 3 વાસણ પાણી લો.
એકમાં ગરમ, બીજામાં મધ્યમ અને ત્રીજામાં ઠંડુ.ગરમ માં ડુબાડી રાખેલા હાથ માટે મધ્યમ પાણી ઠંડુ અનુભવાય છે. અને ઠંડામાં રાખેલા હાથને એ જ મધ્યમ પાણી ગરમ લાગે છે. હવે બંને રીતે સાચા કેમ કરીને હોઈ શકે? ઠંડુ કહેવું એટલું જ સાચું છે જેટલું ગરમ કહેવું, અને ઠંડુ કહેવું એટલું જ ખોટું છે જેટલું ગરમ કહેવું, માટે મિથ્યા. માટે તમે જગત ને જેવું માનીને બેઠા છો તે તેવું નથી. કૈંક અલગ જ છે.
  —
(ઇ) સ્વપ્નાવસ્થામાં, જાગ્રત અવસ્થાના પદાર્થો એટલાજ અસત્ય છે જેટલા સ્વપ્નાવાસ્થાના પદાર્થો સત્ય છે. અને એવુજ ઉલટું. સુષુપ્તાવાસ્થામાં તો વળી બન્નેવ નથી પણ ત્રણે અવસ્થામાં આ સર્વને જાણનાર આત્મા જેમનો તેમ છે. પરીવર્તનશીલ નથી. માટે તમે જગત સત્ય માનીને બેઠા છો તે સત્ય નથી. માટે જગત મિથ્યા છે.
  —
(ઈ) ઈશ્વર પૂર્ણ હોવાથી તેને (જગત ઉત્પન્ન કરવાનું) કોઈ પ્રયોજન નથી. માટે જગતની ઉત્પત્તિનું કારણ નથી. કારણ વગર કાર્ય સમ્ભવ નથી. કાર્ય થયું જ નથી અને જગતોત્પત્તી થઇ જ નથી માટે સર્વ માયા જ છે. આમ સર્વ માયા હોઈ મિથ્યા છે માટે ચાર્વાક સિધ્ધાંતની પણ સીમા આવી જાય છે.
  —
(ફ) ભૂમિતિ ની રીતે
આ બ્રહ્માંડ અનંત ભાસે છે. પણ એનો રચેતા સ્પષ્ટ રીતે એનાથી પણ મહાન છે. અનંત ત્રિજ્યા વાળા બે વર્તૂળો એક સપાટી ઉપર શક્ય નથી. માટે કાં તો જગત છે અને ઈશ્વર નથી કાં તો એનાથી ઉલટું. પણ રચેતા વગર રચિત કેવી રીતે હોય? માટે માત્ર રચેતા જ છે. હવે સઘળે ઈશ્વર જ છે તો જગત દેખાવાનું કારણ માયા સિવાય બીજું હોય નહિ. આમ જગત માયાનું પરિણામ હોઈ મિથ્યા છે.
  —
જો સર્વ મિથ્યા છે તો તે કહેનાર તેનો સાક્ષી સત્ય અને Absolute છે. અર્થાત સર્વનો સાક્ષી, જોનારને પણ જોનારો આપણો આત્મા અને એજ બ્રહ્મ.

આમ જડવાદનું આ પ્રકારે ખંડન કરવાથી આધ્યાત્મવાદ (ઈશ્વરવાદ) સાબિત થાય છે; અને માટે જ, “ઈશ્વર છે”.


9. સંત તુલસીદાસની ચોપાઈ ગણિતમાં રોપાઈ

नाम चतुर्गेन पंचयुग कृत धै गुनी बसु भखी

जीव चराचर जगतमे तुलसी राम ही देखो ।
નામ – કોઈ પણ નામના અક્ષરો ગણો [અનુપ = 3]
ચતુર્ગેન – તેને ચાર વડે ગુણો [3 x 4 = 12]
પંચયુગ – તેમાં પાંચ ઉમેરો [12 + 5 = 17]
કૃત ધૈ ગુની – બે વડે ગુણો [17 x 2 = 34]
બસુભખી – આઠ વડે ભાગતા શેષ 2 મેળવો
“રામ” એ બે અક્ષરનું નામ છે.
પ્રત્યેકના નામને ઉપરનું ગણિત કરવાથી શેષ રામ બચે છે અર્થાત પ્રત્યેકના હ્રદયમાં રામ વસેલા છે.

આમ ગણિત પણ ઈશારો કરીને કહે છે કે “ઈશ્વર છે”.


10. શાસ્ત્ર કહે છે; ઈશ્વર છે.

असन्नेव स भवति | असद्ब्रह्मेति वेद चित | अस्ति ब्रह्मेति चेद्वेद | सन्ततमेनं ततो विदुरिति |

બ્રહ્મ કે ઈશ્વર નથી એવું સમજવા વાળા અસત થઇ જાય છે અર્થાત ભ્રષ્ટ પ્રકૃતિના થઇ જાય છે. સંતપુરુષોનો ઈશ્વરની સત્તામાં પૂર્ણ વિશ્વાસ હોય છે.

[तैत्तिरीयोपनिषद – 6.1]


જેમ લોઢાની આરી લોઢાને કાપે એમ સુક્ષ્મ (આધ્યાત્મ) બુદ્ધિથી જડ (ભૌતિક્તાવાદી) બુદ્ધિ કાપીએ. આવો આપણા શાસ્ત્રોની મદદથી વર્ષો જુના સંશયો એક પછી એક દૂર કરી, એક નિશ્ચયાત્મક બુદ્ધિ બનાવીએ કે ઈશ્વર છે અને આ ચાર્વાક સિધ્ધાંતને તેની સીમા બતાવી દઈએ. આક્રાન્તાઓના કર્યા પર પાણી ફેરવીએ, “ઈશ્વરમાં અડગ શ્રધ્ધા” જેવી દુર્લભ શક્તિ કેળવીએ. અને ત્યાર બાદ, વટ થી આપણા ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગ પ્રશસ્ત કરીએ.

CriticismWelcome


6 thoughts on ““ઈશ્વર છે” ની સાબિતીઓ

  1. 🌸👌🌸🌸🙏🌸🌸
    અદ્ભુત
    માટે જ કહેવાયેલુ છે કે……
    યાવદ્દગર્જન્તિ શાસ્ત્રાણી જંબૂકા વીપીને યથા ।
    ન ગર્જતી મહાશક્તિ યાવદ્દવેદાન્તકેસરી ।।
    🌸🙏🌸🌺🙏🌺🌹🙏🌹

    Like

  2. “એટલે જ મૂર્ખ નાસ્તિકો જાહેરમાં ઈશ્વરના અસ્તિત્વને નકારવાની હિંમત કરે છે, અને ગરીબ અસહાય આસ્તિક લોકો મૌન ધારણ કરે છે.” – આજ વાક્યને ઉલ્ટું કરીને પણ વાંચી શકાય!

    રમેશભાઇની જય હો!।
    હરિઑમ તતસત..

    Like

Leave a comment