કર્મકાંડ શું છે?

દિવ્યતા એ મનુષ્યનું લક્ષ્ય છે. વેદો દિવ્ય છે. હિન્દુ એ વૈદિક ધર્મ છે. આપણા ધર્મમાં અનેક શાસ્ત્રો (રામાયણ, મહાભારત, ગીતા, વેદો, ઉપનિષદો તથા પુરાણો અને અન્ય ગ્રંથો) છે. શાસ્ત્રો સંસ્કાર આપે. સંસ્કાર થી વિકાર જાય. વિકાર દૂર થવાથી સત્કર્મો કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય. નિ:સ્વાર્થ સત્કર્મો કરવાથી પોતાની અંદરની સુષુપ્ત રહેલ દિવ્યતા જાગ્રત કરવાનું સામર્થ્ય આવે છે. કર્મકાંડ એ સાત્વિક પ્રકારનું કલ્યાણકારી શુભ અને સત્કર્મ છે જે સંસારની આસક્તિ વધારતા નથી. વિધાન પ્રમાણે કર્મનું ફળ અવશ્ય મળે છે પરંતુ તેમાં મુખ્યત્વે દેવસ્તુતિ હોવાને લીધે કર્તાપણા નું અભિમાન ઓગળે છે અને તેથી દેહબુદ્ધિ વિસરાય છે. આમ જગત રૂપી સાધન દ્વારા ઈશ્વર રૂપી સાધ્ય ને પ્રાપ્ત કરવાનું માધ્યમ જે ધાર્મિક અને આધ્યાત્મિક અનુભૂતિ તથા આત્મપુષ્ટિ કરાવવા વાળું વિજ્ઞાન એ જ કર્મકાંડ. It is a “Leap” of “Faith”. 

કર્મકાંડ નું પોતાનું એક વિજ્ઞાન છે. જેમ વહેતુ જળ ઉર્જા ઉત્પન્ન કરે તેમ, આપણી ભાવના કર્મકાંડ ના પદાર્થો અને સ્તુતિ ના માધ્યમ દ્વારા વહેતી થાય છે. આધિભૌતિક જગત જેના પર આધારિત છે એવા આધિદૈવિક જગતના દેવતાઓ સાથે સંપર્ક સાધવામાં સહાયક થાય છે. જેમ નારિયેળ ના કોચલા ની અંદર નું પાણી પી જઈએ એમ દેવતાઓ સ્તુતિ થી પ્રસન્ન થઇ, આપણી આપેલ હવી એવી રીતે ગ્રહણ કરે છે તત્પશ્ચાત તૃપ્ત થઇ તેઓ આપણી પ્રાર્થના પણ સાંભળે છે અને પંચમહાભૂત ને પ્રેરિત કરી અચૂક કાર્ય સિદ્ધિ કરી આપે છે. આ વિજ્ઞાન ને જ કર્મકાંડ કહે છે.  

ઉદાહરણ તરીકે: 

રાંધવા મુકેલ ખીચડી (આધિ ભૌતિક જગત) સાચું જોવા જાવ તો નીચે રહેલ (આધિ દૈવિક જગતના દેવતા) આવાહિત અગ્નિ તૈયાર કરે છે, આપણે  નહિ. આપણે માત્ર તેમાં ચોખા અને દાળની આહુતિઓ આપી છે. એવી જ રીતે આપણા કરેલ યજ્ઞ રૂપી સર્વ કાર્યો ની સિદ્ધિ દેવતાઓ લાવી ને આપે છે જેમને પ્રસન્ન કરવા આપણે તેમની સ્તુતિ ગાઈએ છીએ અને યજ્ઞ દ્વારા સમિધા અને હવી આપીએ છીએ.

ભારતીય સંસ્કૃતિ સૌથી જૂની હોવાને કારણે એટલી પરિપક્વ છે કે માત્ર આધિભૌતિક જગતની અસરતા જાણ્યા પછી તેણે દૈવી જગતના દેવતાઓને પણ શોધી કાઢ્યા છે. અને એટલું જ નહીં, તેનાથી આગળ આધ્યાત્મિક જગતમાં પહોંચીને આપણે બ્રહ્મનો પણ સાક્ષાત્કાર કર્યો છે. પરંતુ આધિભૌતિક વિશ્વની બહાર હોવાથી, આધ્યાત્મિક વિશ્વના દેવતાઓને પ્રાર્થના દ્વારા જ મનાવી શકાય છે. આપણે ભારતીયોએ પણ સદીઓ અને યુગોના સુધારા દ્વારા તેની એક સુશિક્ષિત પદ્ધતિ બનાવી છે, જેને કર્મકાંડ કહેવામાં આવે છે. કર્મકાંડની ધાર્મિક વિધિ એ એક એવું વિજ્ઞાન છે જે આધિદૈવિક જગતમાં રહેતા દેવતાઓનું આવાહન કરે છે અને કાર્યની સિદ્ધિ માટે તેમને વિનંતીથી સક્રિય કરે છે.

આમ કર્મકાંડ એ મન દ્વારા આધિભૌતિક અને આધિદૈવિક જગતને જોડવાનું વિજ્ઞાન છે.